આસામ વિધાનસભા ચૂંટણીના મેદાનમાં આ વખતે સૌથી નાની વયના ઉમેદવાર કુંકી ચૌધરી અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વચ્ચે તીખી શબ્દયુદ્ધ છેડાયું છે. ‘અસમ જાતીય પરિષદ’ના ઉમેદવાર કુંકી ચૌધરી પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ તેમના માતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સીએમ સરમાનો દાવો છે કે, કુંકીના માતાએ સોશિયલ મીડિયા પર બીફ ખાવા અને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ શેર કરીને ‘સનાતની’ લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ વિવાદે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
ડીપફેક અને નકલી વીડિયોનો આરોપ
મુખ્યમંત્રીના આરોપોના જવાબમાં 27 વર્ષીય કુંકી ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. કુંકીનું કહેવું છે કે ,તેમની માતા વિરુદ્ધ પ્રસારિત કરવામાં આવી રહેલી સામગ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલે કે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે જનતામાં ગેરસમજ ઉભી કરવાના હેતુથી તેમના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. પોલીસ હવે આ વીડિયો પાછળના કાવતરાની તપાસ કરી રહી છે.
કોણ છે યુવા ઉમેદવાર કુંકી ચૌધરી?
-
મતવિસ્તાર: કુંકી ચૌધરી ગુવાહાટી મધ્ય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમનો સામનો ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર ગુપ્તા સામે છે.
-
શિક્ષણ: તેઓ લંડનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે.
-
કાર્ય: તેઓ ગુવાહાટીમાં શિક્ષણ ક્ષેત્રે અનેક ટ્રસ્ટ અને સંસ્થાઓ ચલાવે છે.
-
રાજકીય વલણ: કુંકીનું કહેવું છે કે, તેઓ રાજકારણમાં નવા હોવાથી ભાજપ તેમની સામે હલકી કક્ષાનું વલણ અપનાવી રહ્યું છે. સત્તાધારી પક્ષ તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.પરંતુ તેઓ પીછેહઠ નહીં કરે.
મુખ્યમંત્રીને વ્યંગાત્મક જવાબ
આરોપો બાદ કુંકીએ એક વીડિયો જાહેર કરીને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર કટાક્ષ કર્યો અને તેમને “ઘરે-ઘરે લોકપ્રિય બનાવવા માટે” આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની માતા પરના તમામ આરોપો પાયાવિહોણા છે. અને તેઓ કાયદાકીય તેમજ રાજકીય રીતે આ લડાઈ લડશે.આસામના સૌથી યુવા ઉમેદવાર હોવાને કારણે કુંકીને યુવાનોનું સમર્થન મળી રહ્યું છે. જ્યારે ભાજપ આ મુદ્દાને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડી રહ્યો છે.
Post Views: 37











