પત્ની વિરુદ્ધ 80 કેસ, પતિને 5 કરોડ ચૂકવવાનો આદેશ: 10 વર્ષ ચાલેલા ‘લગ્ન મહાભારત’નો સુપ્રીમ કોર્ટે આ રીતે કર્યો અંત

સામાન્ય રીતે છૂટાછેડાના કેસ લાંબા ચાલતા હોય છે. પરંતુ સુપ્રીમ કોર્ટ સામે આવેલો આ કિસ્સો લગ્નજીવનના ‘મહાભારત’ સમાન સાબિત થયો. સુપ્રીમ કોર્ટે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને એક એવા દંપતીના છૂટાછેડા સેટલ કર્યા છે. જેઓ 2016થી કાયદાકીય જંગ લડી રહ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ લગ્નજીવન વ્યવહારિક રીતે ખતમ થઈ ચૂક્યું છે અને આ વિવાદનો અંત લાવવો જ યોગ્ય છે.

કાનૂની વગનો દુરુપયોગ: પતિએ કર્યા હતા 80 કેસ

આ કિસ્સામાં પતિ પોતે પ્રેક્ટિસિંગ એડવોકેટ છે. પત્નીના વકીલે કોર્ટમાં જણાવ્યું કે,પતિએ પોતાની વકીલાતનો ખોટો ફાયદો ઉઠાવી પત્ની, તેના પરિવાર અને તેના વકીલ વિરુદ્ધ 80થી વધુ કાનૂની કાર્યવાહી અને કેસ નોંધાવ્યા હતા. એટલું જ નહીં, પતિએ ફેમિલી કોર્ટ કે હાઈકોર્ટના ભરણપોષણના આદેશોનું પણ પાલન કર્યું ન હતું.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે નોંધ્યું કે, પતિ અનેક કંપનીઓમાં ડાયરેક્ટર હોવા છતાં આર્થિક જવાબદારીથી બચવા માટે આ હકીકત છુપાવતો હતો.

જેલની હવા અને પ્રતિષ્ઠાનો સવાલ

બીજી તરફ પતિનો પક્ષ એવો હતો કે, પત્નીએ તેની વિરુદ્ધ ઘરેલુ હિંસા અને કલમ 498A હેઠળ કેસ કર્યા હતા.જેના કારણે તેને જેલમાં જવું પડ્યું હતું.તેનાથી તેની વ્યવસાયિક પ્રતિષ્ઠા ખરડાઈ અને માનસિક ત્રાસ ગુજારાયો. પતિએ દાવો કર્યો કે, પત્ની ભણેલી-ગણેલી છે અને પોતાનો ખર્ચ ઉઠાવી શકે તેમ છે. છતાં તે ભરણપોષણની માંગ કરી રહી છે. તેણે અત્યાર સુધી 45 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: “5 કરોડ ચૂકવો”

કોર્ટે પતિને ફટકાર લગાવતા કહ્યું કે, પતિએ નોંધાવેલી ફરિયાદો માત્ર વેરની ભાવનાથી અને હેરાન કરવા માટે હોય તેમ જણાય છે.કોર્ટે પત્ની અને બાળકોની જવાબદારી અંગે નીચે મુજબના મહત્વના આદેશો આપ્યા:

  1. ભરણપોષણ: પતિએ આગામી એક વર્ષની અંદર પત્નીને 5 કરોડ રૂપિયાની રકમ ચૂકવવી પડશે.

  2. કેસની સમાપ્તિ: પત્ની, તેના પરિવાર અને વકીલો વિરુદ્ધ જેટલી પણ FIR, ફરિયાદો કે અરજીઓ પેન્ડિંગ છે. તે તમામ રદ કરવામાં આવે છે.

  3. કસ્ટડી: બંને પુત્રોની કસ્ટડી માતાને સોંપવામાં આવી છે. જોકે પિતાને બાળકોને મળવાનો અધિકાર રહેશે.

  4. શરત: પત્ની હાલ મુંબઈના લોખંડવાલામાં તેના સસરાના ફ્લેટમાં રહે છે. જો તેને 5 કરોડની રકમ જોઈતી હોય, તો તેણે આગામી 2 અઠવાડિયામાં આ ફ્લેટ ખાલી કરવો પડશે.સુપ્રીમ કોર્ટે પતિને કડક ચેતવણી આપી છે કે, હવે પછી તે પત્ની કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ નવી ફરિયાદ નોંધાવી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE