ઉત્તર ભારતમાં સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 એપ્રિલ દરમિયાન આ સિસ્ટમ સૌથી વધુ સક્રિય રહેશે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદ, તેજ પવન અને કરા પડવાની આશંકા સેવાઈ રહી છે.ખાસ કરીને કાશ્મીર ખીણમાં ભારે વરસાદ અને ઉત્તર-મધ્ય ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આ વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને કરા પડી શકે છે..ઝારખંડ અને બિહારમાં પણ માવઠાની સાથે કરા પડવાની શક્યતા છે.
IMD ની મહત્વની અપડેટ્સ:
-
વરસાદ અને કરા: 7 એપ્રિલ સુધી ઉત્તર અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 4 એપ્રિલના રોજ પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.
-
તાપમાનમાં ફેરફાર: ઉત્તર-પશ્ચિમ ભારતમાં 4 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જોકે, 5 અને 6 એપ્રિલ દરમિયાન ફરી તાપમાનમાં થોડો વધારો થશે.
-
ગુજરાતની સ્થિતિ: ગુજરાતમાં 3 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ 8 એપ્રિલ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
-
મહારાષ્ટ્ર: રાજ્યમાં 5 થી 9 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શુક્રવારે ગરમીની વચ્ચે વરસાદ નોંધાયો હતો.પ્રયાગરાજમાં 5.6 મીમી, વારાણસીમાં 2.6 મીમી અને ગાઝીપુરમાં 1.0 મીમી વરસાદ પડ્યો હતો.રાજ્યનું સૌથી ગરમ સ્થળ સુલતાનપુર રહ્યું હતું.જ્યાં તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં પાકને ભારે નુકસાન
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં 1.22 લાખ હેક્ટરથી વધુ જમીન પર પાકને નુકસાન થયું છે.નાસિક વિસ્તારમાં વરસાદી દુર્ઘટનાઓમાં બે લોકોના મોત પણ થયા છે.રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની ખાતરી આપી છે.. અને નુકસાનના આંકલન માટે સર્વેની કામગીરી શરૂ કરી છે.
Post Views: 59











