નાસિકમાં કાળજું કંપાવી દે તેવી ઘટના: કૂવામાં કાર ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના કરુણ મોત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાસિકના દિંડોરી તાલુકામાં એક કાર બેકાબૂ થઈને કૂવામાં ખાબકતા પરિવારના 9 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, તમામ મૃતકો એક જ દરગુડે પરિવારના સભ્યો હતા. આ ઘટના મોડી રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી.

એક જ પરિવારના 9 સભ્યોના મોત

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં રેશ્મા સુનીલ દરગુડે (27), આશા અનિલ દરગુડે (32), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (14), શ્રેયસ અનિલ દરગુડે (11), રાખી/ગુણવંતી સુનીલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (11), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7), માધુરી અનિલ દરગુડે (13) અને સુનીલ દત્તુ દરગુડે (32)નો સમાવેશ થાય છે.

આ તમામ મૃતકો નાસિક જિલ્લાના દિંડોરી તાલુકાના ઈંદોર ગામના રહેવાસી હતા. સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી દિંડોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકોમાં 6 નિર્દોષ બાળકો સામેલ

મળતી માહિતી મુજબ, દરગુડે પરિવાર એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. પરત ફરતી વખતે અચાનક ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં જઈ પડી હતી. આ ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 6 બાળકો સામેલ છે.જેમાં સૌથી નાની બાળકી માત્ર 7 વર્ષની હતી. આ દુર્ઘટનામાં સુનીલ દરગુડે, તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ અવસાન થયું છે. એક જ પરિવારના આટલા સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર દોડી ગઈ છે.

પોલીસે શું કહ્યું?

દિંડોરીના પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે, “રાત્રે 10 વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે દિંડોરી ગામના શિવાજી નગર વિસ્તારમાં એક મારુતિ XL6 કાર કૂવામાં ખાબકી છે. કારમાં 8 થી 9 લોકો હોવાની અને તેમને તાત્કાલિક મદદની જરૂર હોવાની જાણ થતા જ અમે પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “બચાવ કામગીરી માટે બે હાઇડ્રા ક્રેન અને કુશળ તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી રાત્રે 12:15 વાગ્યાની આસપાસ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ કમનસીબે કોઈને બચાવી શકાયા નહોતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE