ભારતે પોતાની ‘ન્યુક્લિયર ટ્રાયડ’ (જમીન, આકાશ અને સમુદ્ર પરથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) ને વધુ મજબૂત બનાવી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભારતીય નૌકાદળમાં શુક્રવારે પરમાણુ શક્તિથી ચાલતી સબમરીન ‘INS અરિદમન‘ ને સામેલ કરવામાં આવી છે. આ સાથે જ નૌકાદળના બેડામાં શક્તિશાળી યુદ્ધજહાજ ‘INS તારાગિરી‘ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કમીશનિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે INS અરિદમનના નૌકાદળમાં જોડાવા અંગે સોશિયલ મીડિયા દ્વારા સંકેતો આપ્યા હતા. તેમણે પોતાના સત્તાવાર ‘X’ હેન્ડલ પર લખ્યું: “શબ્દ નહીં શક્તિ છે, ‘અરિદમન’!”
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ INS અરિદમનની તસવીર શેર કરતા લખ્યું કે, “ભારતના અજેય સાહસનું પ્રતિબિંબ છે ‘અરિદમન’. ભારત પોતાની ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાિલ સબમરીનનું સ્વાગત કરવા માટે તૈયાર છે.”
SSBN પ્રોજેક્ટની સિદ્ધિ: INS અરિદમન એ ભારતના SSBN પ્રોજેક્ટ હેઠળ નૌકાદળને મળેલી ત્રીજી સ્વદેશી પરમાણુ સબમરીન છે. અગાઉ INS અરિહંત અને INS અરિઘાત પહેલેથી જ સેવામાં છે. આ સાથે જ ભારત દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન ધરાવે છે.
INS તારાગિરી વિશે જાણવા જેવું
INS તારાગિરીને મલ્ટી-રોલ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. જે તેની નીચે મુજબની વિશેષતાઓ ધરાવે છે:
-
બહુમુખી ભૂમિકા: તે હાઈ-ઈન્ટેન્સિટી કોમ્બેટ (તીવ્ર લડાઈ) થી લઈને દરિયાઈ સુરક્ષા, ચાંચિયાગીરી વિરોધી અભિયાન, દરિયાકાંઠાની દેખરેખ અને માનવતાવાદી મિશનમાં સક્ષમ છે.
-
75% સ્વદેશી: આ યુદ્ધજહાજનો લગભગ 75 ટકા હિસ્સો સ્વદેશી છે. જે દર્શાવે છે કે ભારત હવે શિપ બિલ્ડિંગમાં માત્ર ગ્રાહક નથી પરંતુ ઉત્પાદક બની ગયું છે.
-
ડિઝાઇન અને નિર્માણ: INS તારાગિરી એ P-17-A ક્લાસનું ચોથું જહાજ છે. તેને ભારતીય નૌકાદળના ‘વોરશિપ ડિઝાઇન બ્યુરો’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ‘મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તારાગિરી એ માત્ર એક યુદ્ધજહાજ નથી.પરંતુ ભારતની વધતી જતી નૌકાદળ શક્તિનું પ્રતીક છે.
Post Views: 72











