મોરબી જિલ્લાના રાજકારણમાં આજે એક આઘાતજનક ઘટના બની છે. મોરબી જિલ્લા કોંગ્રેસના કર્મઠ અને લોકપ્રિય નેતા કિશોર ચીખલીયાનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. પક્ષના કાર્યકરો સાથે બેઠકમાં વ્યસ્ત હતા..તે દરમિયાન જ તેમને કાળનો પંજો ભરખી ગયો હતો.
બેઠક દરમિયાન જ તબિયત લથડી
મળતી માહિતી અનુસાર, કિશોર ચીખલીયા મોરબીમાં એક પક્ષીય કાર્યકરના નિવાસસ્થાને આયોજિત રાજકીય બેઠકમાં સહભાગી થયા હતા. પક્ષના સંગઠન અને આગામી આયોજન અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.ત્યાં ઉપસ્થિત અન્ય આગેવાનો અને કાર્યકરોએ તેમને તાત્કાલિક સંભાળ્યા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરુ ઊડી ગયું
બનાવની ગંભીરતાને જોઈને તેમને સત્વરે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર અને કાર્યકરોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
મોરબીએ ગુમાવ્યો એક અડગ અને પાયાનો કાર્યકર
કિશોર ચીખલીયાની ગણના મોરબી જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતાઓમાં થતી હતી. જિલ્લા પ્રમુખ તરીકે તેમણે સંગઠનને મજબૂત કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. સાદગી અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા આ નેતાના જવાથી પક્ષને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
સમગ્ર પંથકમાં શોકની લહેર
તેમના આકસ્મિક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબી સહિત સમગ્ર ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં શોકની લહેર ફરી વળી છે.મોટી સંખ્યામાં ટેકેદારો અને રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Post Views: 246











