નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે.બાલેન શાહે વડાપ્રધાન બનતાની સાથે જ મોટું પગલું ભર્યું છે.સરકાર બનાવતા જ તેમણે વિરોધીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રથમ કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને તેમણે પૂર્વ વડાપ્રધાન ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.આ બંનેની ધરપકડ Gen-Z પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓના મોતના મામલે કરવામાં આવી છે.
જવાબદારી નક્કી કરવાની દિશામાં મોટું પગલું
પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ બાદ નેપાળનું રાજકારણ ગરમાયું છે. દેશની સત્તા સંભાળતાની સાથે જ બાલેન શાહની આ કાર્યવાહી જવાબદારી નક્કી કરવાની દિશામાં એક મોટો સંકેત માનવામાં આવી રહી છે. બાલેન શાહની સરકારે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓના મોત માટે ઓલી અને લેખકને જ જવાબદાર ઠેરવ્યા છે. બાલેન શાહે પદ સંભાળતા જ કેબિનેટની બેઠક બોલાવી હતી, જેમાં તપાસ પંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
નિઃસહાય વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો ખુલાસો
વિદ્યાર્થી આંદોલનની તપાસ કરી રહેલા પંચે રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન નિઃસહાય વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ રિપોર્ટના આધારે જ ઓલી અને લેખકની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. બેઠક બાદ પહેલા ઓલીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે રમેશ લેખકની અટકાયત કરીને જેલમાં ધકેલી દીધા. આ કાર્યવાહી દ્વારા બાલેન શાહે સંકેત આપ્યો છે કે તેઓ નેપાળનું રાજકારણ બદલી નાખશે.
પોલીસ અને સેનાની ભૂમિકા પર ઉઠ્યા સવાલો
તપાસ પંચના રિપોર્ટમાં પોલીસ, સશસ્ત્ર દળો અને સેનાના અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ બાલેન શાહ સરકારે હજુ સુધી તેમની સામે કોઈ સીધી કાર્યવાહી કરી નથી. તેના બદલે, વિદ્યાર્થી આંદોલનમાં આ તમામની ભૂમિકા નક્કી કરવા માટે એક અલગ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિના રિપોર્ટના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત જણાશે તો સજા આપવામાં આવશે.
Post Views: 55











