‘ટ્રાન્સજેન્ડર સુરક્ષા બિલ’ રાજ્યસભામાં પસાર: જાણો શું છે નવો કાયદો અને શા માટે વિપક્ષ કરી રહ્યો છે ઉગ્ર વિરોધ?

ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારો સાથે જોડાયેલા કાયદામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યસભાએ બુધવારે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) એમેન્ડમેન્ટ બિલ 2026′ ને અવાજ મતે પસાર કરી દીધું છે. આ બિલ વર્ષ 2019ના મૂળ કાયદામાં અનેક પાયાના ફેરફારો કરે છે. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ સાથે જોરદાર વિરોધ કર્યો હતો.પરંતુ સરકારી બહુમતીના જોરે તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું છે.

શું છે આ નવું ટ્રાન્સજેન્ડર સુરક્ષા બિલ?

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વીરેન્દ્ર કુમાર દ્વારા રજૂ કરાયેલા આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો છે. જોકે, વિવાદ આ બિલમાં આપેલી ટ્રાન્સજેન્ડરની નવી વ્યાખ્યા પર છે.

  • નવી વ્યાખ્યા: નવા સુધારા મુજબ, હવે ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા માત્ર એવા લોકો સુધી સીમિત કરવામાં આવી છે જેમની સામાજિક-સાંસ્કૃતિક ઓળખ કિન્નર, હિજડા, અરવની કે જોગતા હોય.

  • જૈવિક માપદંડ: આમાં જન્મજાત જૈવિક લાક્ષણિકતાઓ (જેમ કે રંગસૂત્રો, હોર્મોન્સ અથવા શારીરિક અંગોની ભિન્નતા) ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે, હવે આ ઓળખને વધુ મેડિકલ અને જૈવિક માળખામાં રાખવાનો પ્રયાસ કરાયો છે.

બિલમાં સૌથી મોટો સુધારો શું છે?

સૌથી મોટો ફેરફાર સ્વ-નિર્ધારિત લિંગ ઓળખ‘ (Self-perceived identity) ને લઈને છે.

  1. સ્વ-ઘોષણા રદ: 2019ના મૂળ કાયદામાં વ્યક્તિ પોતાની જાતે પોતાની લિંગ ઓળખ નક્કી કરી શકતી હતી (કલમ 4-2), જે જોગવાઈ હવે હટાવી દેવામાં આવી છે.

  2. મેજિસ્ટ્રેટની સત્તા: હવે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર લેવું પડશે. જેમાં જરૂર પડ્યે તબીબી નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.

નિષ્ણાતોનું માનવું છે કે, આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત નાલસા‘ (NALSA) ચુકાદાની વિરુદ્ધ છે. જેમાં લિંગ ઓળખના અધિકારને બંધારણની કલમ 14, 15, 19 અને 21 હેઠળ મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે.

વિપક્ષ કેમ કરી રહ્યો છે વિરોધ?

સંસદમાં ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા:

  • તિરુચી શિવા (DMK): તેમણે ચેતવણી આપી કે આ બિલ સુપ્રીમ કોર્ટમાં રદ થઈ શકે છે કારણ કે તે બંધારણીય અધિકારો સાથે ટકરાય છે.

  • મનોજ ઝા (RJD): તેમણે આને ‘નૈતિક બહુમતી વિરુદ્ધ કાયદાકીય બહુમતી’ની રમત ગણાવી હતી.

  • પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના UBT): તેમણે બિલને ‘અમાનવીય’ ગણાવતા કહ્યું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 5 લાખ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ છે. જેમની ભાગીદારી વગર આવો નિર્ણય લેવો તે લોકશાહીની વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE