વીર જવાનોને મોદી સરકારની મોટી ભેટ: હવે આજીવન ટ્રેનમાં કરી શકશે મફત મુસાફરી

કેન્દ્રની મોદી સરકારે દેશની રક્ષા કાજે અપ્રતિમ શૌર્ય દાખવનાર વીર જવાનો અને તેમના પરિવારો માટે એક અત્યંત પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, હવેથી થલસેના, વાયુસેના અને નૌસેનાના તમામ વીરતા પુરસ્કાર (ગેલન્ટ્રી એવોર્ડ) વિજેતા જવાનો ભારતીય રેલવેમાં આજીવન મફત મુસાફરી કરી શકશે. આ નિર્ણય દેશના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સરકારના પ્રયાસોનો એક ભાગ ગણાય છે.

આ સુવિધા હેઠળ જવાનોને રેલવેના પ્રીમિયમ ક્લાસમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. વીરતા મેડલ મેળવનાર જવાનો હવે ફર્સ્ટ ક્લાસ, 2AC અને એસી ચેર કાર કેટેગરીમાં ટિકિટના ભાડા વગર મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, આ જવાનોની સાથે મુસાફરી કરનાર એક સાથીદાર (એટેન્ડન્ટ) પણ આ મફત મુસાફરીનો લાભ લઈ શકશે, જેથી જવાનોને મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન નડે.

આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો લાભ માત્ર જીવિત પુરસ્કાર વિજેતાઓ સુધી સીમિત નથી, પરંતુ શહીદોના પરિવારોને પણ તેમાં આવરી લેવાયા છે. આ આદેશ હેઠળ, વીરતા મેડલ વિજેતાના જીવનસાથી (વિધવા અથવા વિધુર) આજીવન આ સેવાનો લાભ લઈ શકશે. જો કોઈ જવાન અવિવાહિત હોય અને તેમને મરણોપરાંત પુરસ્કાર મળ્યો હોય, તો તેમના માતા-પિતા પણ આજીવન ટ્રેનમાં મફત મુસાફરી કરી શકશે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય રક્ષા ક્ષેત્રમાં સર્વોચ્ચ બલિદાન અને બહાદુરી આપનાર સૈનિકોના સન્માનમાં લેવાયેલો એક મહત્વપૂર્ણ કદમ છે.આ આર્થિક અને સામાજિક સહયોગ દ્વારા સરકાર એ સંદેશ આપવા માંગે છે કે, દેશ હંમેશા પોતાના શૂરવીરોની પડખે ઊભો છે.આ પહેલથી ન માત્ર વર્તમાન સૈનિકોનું મનોબળ વધશે.પરંતુ દેશના યુવાનોમાં પણ સેનામાં જોડાઈને માતૃભૂમિની સેવા કરવાની પ્રેરણા જાગશે.

સમગ્રપણે જોતા, આ જાહેરાત એવા બહાદુર સૈનિકો પ્રત્યે દેશની સાચી અંજલિ છે જેમણે રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે.આ નિર્ણય દ્વારા સરકારે સ્પષ્ટ કર્યું છે કે સશસ્ત્ર દળોનું કલ્યાણ અને તેમનું સન્માન તેની પ્રાથમિકતામાં છે. આ સુવિધાના અમલીકરણ સાથે જ હજારો જવાનો અને તેમના પરિવારોને રેલવે મુસાફરીમાં મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE