યૌન ઉત્પીડન કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટી રાહત: અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર

યૌન ઉત્પીડન કેસમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગીરીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્યને આગોતરા જામીન આપી દીધા છે. જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિન્હાની સિંગલ બેન્ચે આ ચુકાદો સંભળાવતા બંનેની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.

નોંધનીય છે કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગીરીએ ધરપકડથી બચવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ગત 27 ફેબ્રુઆરીના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

બંને પક્ષો મીડિયામાં નિવેદનબાજી કે ઇન્ટરવ્યુ નહીં આપી શકે

કોર્ટે જણાવ્યું કે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી શંકરાચાર્યની ધરપકડ કરવામાં આવશે નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે શંકરાચાર્યને આગોતરા જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છે:

  • સૌથી મહત્વની શરત એ છે કે બંને પક્ષો (શંકરાચાર્ય અને આશુતોષ) મીડિયામાં કોઈ પણ પ્રકારની નિવેદનબાજી નહીં કરે કે ઇન્ટરવ્યુ આપશે નહીં.

  • જો જામીનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો બીજો પક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકે છે.

શંકરાચાર્ય પોલીસ તપાસમાં સહકાર આપશે

ચુકાદો સંભળાવતી વખતે શંકરાચાર્યના વકીલોએ રજૂઆત કરી હતી કે, “યોર ઓનર, એ બાબત પર પણ ધ્યાન આપો કે કોઈ બાળકોને લઈને ફરે છે અથવા યાત્રા દરમિયાન નિવેદનબાજી કરે છે, તેને પણ રોકવામાં આવે.” આના પર કોર્ટે કહ્યું કે શરતોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં.

અગાઉ 27 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે શંકરાચાર્યની ધરપકડ પર રોક લગાવી દીધી હતી અને શંકરાચાર્યને પોલીસ તપાસમાં સહકાર આપવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટમાં શંકરાચાર્યનો પક્ષ વકીલ પી.એન. મિશ્રાએ રાખ્યો હતો, જ્યારે રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલ હાજર રહ્યા હતા. ફરિયાદી આશુતોષ મહારાજના વકીલ રીના સિંહે પણ દલીલો કરી હતી.

પ્રયાગરાજમાં નોંધાયો હતો કેસ

અગાઉ પ્રયાગરાજની કોર્ટે પોલીસને યૌન શોષણના આરોપો અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગીરી સામે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતના આદેશ બાદ ઝૂસી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અરજી શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE