પાકિસ્તાન સામે મોટી આફત આવી પડી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંગળવાર રાત્રે એક ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી.
કેવી રીતે થઈ આ દુર્ઘટના?
લાહોરથી લગભગ 400 કિમી દૂર લોધરાનમાં થયેલી આ દુર્ઘટના બાદ રેલવે અધિકારીઓએ પ્રભાવિત ટ્રેક પર વાહનવ્યવહાર સ્થગિત કરી દીધો છે. રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ જણાવ્યું હતું કે, માનવીય ભૂલ અને કેટલીક યાંત્રિક ખામી આ અકસ્માત પાછળના સંભવિત કારણો છે, જેના કારણે તેઝગામ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી.
રાત્રે 9:30 કલાકે બહાવલપુર-લોધરાન સેક્શન પર બની ઘટના
લોધરાનના ડેપ્યુટી કમિશનર અબ્દુલ હાફિઝે જણાવ્યું કે, કરાચી જઈ રહેલી તેઝગામ એક્સપ્રેસ મંગળવાર સાંજે લાહોર રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. “ટ્રેન રાત્રે 9:30 વાગ્યે બહાવલપુર-લોધરાન સેક્શન પર આદમ વહાન રેલવે સ્ટેશન પાસે પહોંચતા જ પાટા પરથી ઉતરી ગઈ હતી.” ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં કેટલાક મુસાફરો ફસાઈ ગયા હતા.
ડેપ્યુટી કમિશનરે વધુમાં ઉમેર્યું, “આશરે 25 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. જોકે, કોઈનું મૃત્યુ થયું નથી.” પંજાબ ઇમરજન્સી વિભાગની રેસ્ક્યુ 1122 ટીમ દ્વારા ફસાયેલા મુસાફરોને બચાવીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દુર્ઘટના બાદ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ
એક રેલવે અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડબ્બાઓ વચ્ચે લાગેલા કપલર (કનેક્ટર) તૂટી ગયા અને ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. એન્જિન સાથે જોડાયેલા સાત ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. હાલમાં અસરગ્રસ્ત ટ્રેક પર રેલ વ્યવહાર બંધ છે. આ ઘટના પાછળ માનવીય બેદરકારી અને યાંત્રિક સમસ્યાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
Post Views: 0











