વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત દરમિયાન પ્રદેશમાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાની સુવિધાઓ) પર થઈ રહેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા હુમલાઓ પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવે છે. આ સાથે જ તેમણે દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા જાળવી રાખવા અને શિપિંગ માર્ગોને ખુલ્લા તેમજ સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે વાત કરી અને તેમને ઈદ તથા નવરોઝની શુભકામનાઓ પાઠવી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તહેવારોની આ મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ,સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.
વડાપ્રધાને પ્રદેશમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પરના હુમલાની ટીકા કરતા કહ્યું કે તેનાથી પ્રાદેશિક સુરક્ષા જોખમાય છે. પીએમ મોદીએ ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ત્યાંની સરકારના સતત સમર્થનની પણ પ્રશંસા કરી હતી. 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદ પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે આ બીજી ફોન પર વાતચીત હતી. આ પહેલા 12 માર્ચે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનએ પીએમ મોદીને ઈરાનની વર્તમાન સ્થિતિ અને તાજેતરના ઘટનાક્રમ અંગે માહિતગાર કર્યા હતા.
મુત્સદ્દીગીરી અને સુરક્ષા પર ભાર
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને પ્રદેશમાં બદલાતી સુરક્ષા સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પુનરોચ્ચાર કર્યો હતો કે, તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત અને મુત્સદ્દીગીરી (Diplomacy) દ્વારા જ આવવો જોઈએ.
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં ઈરાને પાડોશી દેશો અને ઈઝરાયેલને નિશાન બનાવ્યા હતા. ઈરાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નિયંત્રણ ધરાવે છે. જે એક અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે અને ત્યાંથી વિશ્વનો લગભગ 20 ટકા ઉર્જા પુરવઠો પસાર થાય છે. આ સંઘર્ષ બાદ ઈરાને ત્યાંથી ખૂબ જ ઓછા જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે.
સંઘર્ષ શરૂ થયા પછી પીએમ મોદીએ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, બહેરીન, કુવૈત, જોર્ડન, ફ્રાન્સ અને મલેશિયા સહિતના અનેક દેશોના નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે.
Post Views: 0











