સોશિયલ મીડિયાના આ ખતરનાક ચેલેન્જે લીધો 9 વર્ષની બાળકીનો જીવ, શું તમારું બાળક પણ નથી જોઈ રહ્યું આ ટ્રેન્ડ?

સોશિયલ મીડિયા પર વાયરલ થતી કેટલીક ‘ચેલેન્જ’ માત્ર મજાક નથી હોતી.. પરંતુ તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ટેક્સાસની એક 9 વર્ષની બાળકીના મોતે આ ખતરાને ફરી એકવાર દુનિયા સામે લાવી દીધો છે. માત્ર કુતૂહલવશ એક વીડિયોની નકલ કરવા જતાં એક હસતા-રમતા પરિવારની દુનિયા ઉજડી ગઈ. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે કે બાળકોની ઓનલાઇન દુનિયા પર નજર રાખવી હવે પહેલાં કરતાં વધુ જરૂરી બની ગઈ છે.

ખતરનાક ચેલેન્જે લીધો જીવ

ટેક્સાસના એક પરિવારની 9 વર્ષની દીકરી, જેકલિન કે. બ્લેકવેલનું સોશિયલ મીડિયા ચેલેન્જમાં ભાગ લેવા દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ ખતરનાક રમતને બ્લેકઆઉટ’ અથવા ચોકિંગ ચેલેન્જ’ કહેવામાં આવે છે, જેમાં બાળકો ત્યાં સુધી પોતાનો શ્વાસ રોકવાનો પ્રયાસ કરે છે જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ જાય. આ જીવલેણ પ્રયાસમાં જ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો.

બાળકીએ આ ચેલેન્જ સોશિયલ મીડિયા પર જોઈ હતી અને તેણે તેની દાદીને પણ આ વીડિયો બતાવ્યો હતો. દાદીમાએ તેને આવું ક્યારેય ન કરવાની સલાહ આપી હતી, પરંતુ બાળકોની જિજ્ઞાસા ક્યારેક તેમને જોખમી પગલાં ભરવા મજબૂર કરી દે છે.

ઘટનાના દિવસે સવારે બાળકી સ્કૂલે જતાં પહેલાં ઘરની બહાર રમવા ગઈ હતી. તેના પિતાને અચાનક અજીબ શાંતિ અનુભવાઈ. જ્યારે તેમણે જઈને જોયું તો દીકરી બેભાન અવસ્થામાં મળી આવી. પિતાના જણાવ્યા મુજબ, તે તેમની જિંદગીનો સૌથી ડરામણો અનુભવ હતો. તેમણે તરત જ બાળકીને બચાવવા પ્રયાસ કર્યો અને CPR પણ આપ્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો?

  • મોનિટરિંગ જરૂરી: આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા સરળ નથી.પરંતુ તેઓ ફોનમાં શું જોઈ રહ્યા છે અને કેવા પ્રકારનું કન્ટેન્ટ વાપરે છે તેના પર નજર ચોક્કસ રાખી શકાય છે.

  • ખુલ્લો સંવાદ: આવી ઘટનાઓ દર્શાવે છે કે બાળકો સાથે મિત્રતાપૂર્ણ વાતચીત અને દેખરેખ કેટલી જરૂરી છે. બાળકોને ડરાવવાને બદલે તેમની સાથે વાત કરો અને તેમના વર્તનને સમજવાનો પ્રયત્ન કરો.

  • વર્તનમાં ફેરફાર: જો બાળક જરૂર કરતાં વધુ મોબાઈલનો ઉપયોગ કરતું હોય અથવા તેના સ્વભાવમાં અચાનક ફેરફાર જણાય, તો તેના ફોનની તપાસ કરવી હિતાવહ છે.

આ ઘટના માત્ર એક પરિવારની કરૂણાંતિકા નથી.પરંતુ સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. જો માતા-પિતા થોડી સતર્કતા રાખે, તો આવી અનિચ્છનીય ઘટનાઓને રોકી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE