ઊંઘમાં નસકોરાં લેવા ક્યારે બની શકે છે જીવલેણ? આ 5 સંકેતોને ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ

સામાન્ય રીતે લોકો ઊંઘમાં આવતા નસકોરાંને થાક અથવા ઘેરી નિંદ્રાની નિશાની ગણીને અવગણતા હોય છે. પરંતુ આ આદત શરીરની કોઈ છૂપી બીમારીનો ગંભીર સંકેત પણ હોઈ શકે છે. જો નસકોરાં રોજ આવતા હોય અથવા તેનો અવાજ ખૂબ જ તીવ્ર હોય, તો તે માત્ર થાક નહીં પણ સ્લીપ એપનિયા‘ (Sleep Apnea) જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. સ્લીપ એપનિયામાં નિંદ્રા દરમિયાન શ્વાસ લેવામાં અવરોધ ઉભો થાય છે.. જે લાંબે ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે.

અહીં એવા 5 મહત્વપૂર્ણ સંકેતો વિશે જણાવાયું છે. જેનો અનુભવ થાય તો તરત જ સાવધ થવાની જરૂર છે:

1. શ્વાસ રૂંધાવો કે હાંફતા જાગી જવું

જો ઊંઘ દરમિયાન નસકોરાંની વચ્ચે અચાનક શ્વાસ અટકી જતો હોય અથવા વ્યક્તિ અચાનક હાંફતી કે ગભરાઈને જાગી જાય, તો આ એક ગંભીર ચેતવણી છે. આવું ત્યારે થાય છે જ્યારે શ્વાસ લેવાનો માર્ગ થોડી સેકન્ડો માટે બંધ થઈ જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને મગજ તરત જ શરીરને જગાડી દે છે. આવી સ્થિતિ વારંવાર થતી હોય તો વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

2. અત્યંત તીવ્ર અને દરરોજ આવતા નસકોરાં

ક્યારેક નસકોરાં આવવા સામાન્ય હોઈ શકે છે.પરંતુ જો તે રોજિંદી પ્રક્રિયા બની જાય અને તેનો અવાજ ખૂબ જ મોટો હોય, તો તે શ્વાસની નળીમાં અવરોધ હોવાનું સૂચવે છે. જ્યારે ફેફસાં સુધી હવા પહોંચવામાં મુશ્કેલી પડે છે ત્યારે ગળાના સ્નાયુઓમાં ધ્રુજારી પેદા થાય છે. જે તીવ્ર અવાજમાં પરિણમે છે. આ સમસ્યા સ્લીપ એપનિયા તરફ દોરી જતી પ્રારંભિક નિશાની છે.

3. પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અને સુસ્તી

જો તમે રાત્રે 7-8 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારે તાજગી અનુભવતા નથી અને આખો દિવસ સુસ્તી, યાદશક્તિમાં ઘટાડો કે કામમાં મન ન લાગવાની સમસ્યા રહે છે. તો તમારી ઊંઘની ગુણવત્તા ખરાબ છે. સ્લીપ એપનિયાને કારણે વ્યક્તિ વારંવાર જાગી જાય છે. જેથી મગજ અને શરીરને જરૂરી ગહેરી નિંદ્રા (Deep Sleep) મળતી નથી.

4. સવારે માથાનો દુખાવો અને મોઢું સુકાવું

ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ માથું ભારે લાગવું અથવા હળવો દુખાવો થવાની ફરિયાદ રહે છે. વળી, રાત્રે નસકોરાંને કારણે મોઢેથી શ્વાસ લેવાને લીધે સવારે મોઢું સુકાઈ જતું હોય છે. આ બંને લક્ષણો શરીરમાં ઓક્સિજનના સ્તરની ઉણપ અને અનિયમિત શ્વાસોચ્છવાસ તરફ ઈશારો કરે છે.

5. હૃદયની બીમારી અને બ્લડ પ્રેશરનું જોખમ

લાંબા સમય સુધી નસકોરાંની સમસ્યાને અવગણવાથી હૃદય પર ભારે દબાણ આવે છે. નિષ્ણાતોના મતે, સ્લીપ એપનિયાથી પીડાતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારીઓ અને સ્ટોક (Stroke) આવવાનું જોખમ અનેકગણું વધી જાય છે. યોગ્ય જીવનશૈલી અને તબીબી સારવારથી આ જોખમને કાબૂમાં લઈ શકાય છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. જો તમને આમાંના કોઈ પણ લક્ષણો દેખાય, તો તરત જ નિષ્ણાત ડોક્ટર અથવા સ્લીપ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE