કહેવાય છે કે ‘જ્યાં સંગઠન છે ત્યાં શક્તિ છે’, આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે મોરબી જિલ્લાના માળિયા (મિ.) તાલુકાના છેવાડાના ગામ નાનાભેલાએ. માત્ર 175 લોકોની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ આજે પર્યાવરણ જત અને સામાજિક સેવામાં મોટા શહેરોને પણ રાહ ચીંધી રહ્યું છે.
પક્ષીઓનું સ્વર્ગ: 1200થી વધુ મોરનું આશ્રયસ્થાન
જ્યાં આજે પક્ષીઓના દર્શન દુર્લભ બન્યા છે.ત્યાં નાનાભેલાની સીમમાં 1200 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર નિર્ભયપણે વિચરે છે.
-
અનોખી ઉજવણી: ગામલોકો પોતાના પરિવારમાં બાળકના જન્મ, લગ્નની વર્ષગાંઠ કે વડવાઓની પુણ્યતિથિ નિમિત્તે પક્ષીઓને ચણ અને કૂતરાઓને લાડુ ખવડાવી ઉજવણી કરે છે.
-
રામેશ્વર બાગ: ‘રામેશ્વર ઢોલ ત્રાંસા યુવા મંડળ’ દ્વારા 700 જેટલા વૃક્ષો વાવીને સુંદર બાગ તૈયાર કરાયો છે, જ્યાં મોરના ટહુકા સાંભળવા દૂર-દૂરથી લોકો આવે છે.
સ્વચ્છતામાં કડક શિસ્ત: કચરો ફેંક્યો તો આખી શેરી સાફ કરવી પડશે!
ગામના સરપંચ ભાવેશભાઈ કાવર અને સેવાભાવી હિંમતભાઈ કાવરના જણાવ્યા મુજબ, ગામમાં સ્વચ્છતા માટે અનોખો નિયમ છે:
-
CCTV સર્વેલન્સ: સમગ્ર ગામ સીસીટીવીથી સજ્જ છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાય, તો તેને દંડ તરીકે આખી શેરી સાફ કરવાની સજા આપવામાં આવે છે.
-
આધુનિક વ્યવસ્થા: દરેક 100 મીટરે ડસ્ટબિન અને કચરો ઉઘરાવવા માટે ઇલેક્ટ્રિક ટીપર વાનની સુવિધા છે. પાકા રસ્તા અને ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી ગામની સુખાકારીમાં વધારો કરે છે.
સેવાનો અનોખો ‘ઢોલ‘: યુવાનોની પ્રેરણાદાયી પહેલ
ગામના યુવાનોએ ‘રામેશ્વર ઢોલ ત્રાંસા યુવા મંડળ’ બનાવી સેવાની જ્યોત જલાવી છે.
-
સ્વમાન સાથે સેવા: આ યુવાનો લગ્ન પ્રસંગોમાં ઢોલ વગાડવા જાય છે અને તેમાંથી થતી તમામ આવક ગૌશાળા, નિરાધાર બાળકોની સ્કૂલ ફી, જરૂરિયાતમંદોની દવા અને વૃદ્ધોના રાશન માટે વાપરે છે.
-
ગામમાંથી રોજગારી માટે હિજરત કરી મોરબી વસેલા યુવાનો અને ગામમાં રહેતા વડીલો વચ્ચેનું આ સુમેળભર્યું જોડાણ જ નાનાભેલાના વિકાસનું મુખ્ય કારણ છે.
વહીવટી તંત્રનો સહયોગ
સરપંચશ્રી ભાવેશભાઈ કાવર આ સફળતાનો શ્રેય સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીના માર્ગદર્શનને આપે છે.
Post Views: 0




















