પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બોમ્બ વરસાવ્યા: તાલિબાનનો આરોપ- કાબુલની હોસ્પિટલ પર હુમલામાં 400 લોકોના મોત

(તસ્વીર પ્રતીકાત્મક છે )

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાની સેના પર કાબુલમાં એક નશા મુક્તિ કેન્દ્ર (હોસ્પિટલ) ને નિશાન બનાવીને હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ હુમલામાં 400 લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનના નાયબ સરકારી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે મંગળવારે સવારે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે થયેલા હુમલામાં હોસ્પિટલનો મોટો હિસ્સો નાશ પામ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 400 પર પહોંચી છે.જ્યારે 250 લોકો ઘાયલ થયા છે..ફિતરતે કહ્યું કે, બચાવ ટુકડીઓ ઈમારતમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા અને પીડિતોના મૃતદેહો બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે.

પાકિસ્તાનનો હુમલો સાર્વભૌમત્વનું ઉલ્લંઘન: તાલિબાન સરકાર

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો આ હુમલો અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા મોટાભાગના લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નશાના વ્યસની હતા.

કાબુલ હુમલા પર શહેબાઝ સરકારની પ્રતિક્રિયા

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાનનું કહેવું છે કે તેની સેના માત્ર એવા સ્થળો પર જ કાર્યવાહી કરે છે જ્યાંથી તેના વિરુદ્ધ હુમલા કરવામાં આવતા હોય.

આ ગંભીર આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે સરહદ પર સંઘર્ષ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યો છે…અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે સરહદ પર થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા અને દસ લોકો ઘાયલ થયા હતા.

UNSC એ તાલિબાન પાસે આતંકવાદ પર કડક કાર્યવાહીની માંગ કરી

આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ પણ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં સક્રિય જૂથો, ખાસ કરીને ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP), પાકિસ્તાનમાં હુમલા કરે છે. કાબુલ સતત આ આરોપોને નકારતું આવ્યું છે.

બંને દેશો વચ્ચે તણાવ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયો હતો, જ્યારે પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં અફઘાનિસ્તાને સરહદ પાર કાર્યવાહી કરી હતી…ત્યારથી સરહદ પર સતત તોપમારો અને હવાઈ હુમલાઓને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE