ભારતમાં માર્ચ મહિનાથી જ અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે ત્યારે હવામાન વિજ્ઞાનીઓએ એક ડરામણી આગાહી કરી છે.
રેકોર્ડબ્રેક ગરમી અને ‘લૂ’ નો પ્રકોપ
યુરોપીયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના મતે, આ વર્ષે ‘અલ નીનો’ (El Nino) સક્રિય થવા જઈ રહ્યો છે. આ ભૌગોલિક ફેરફારને કારણે ભારતભરમાં ભીષણથી અતિ ભીષણ ગરમી પડવાના સંકેતો છે. જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો ઉભરવાની શક્યતા 60% છે, જે વર્ષના અંત સુધીમાં અત્યંત મજબૂત બનશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં આકરી ‘લૂ’ (Heatwave) જનજીવનને અસ્તવ્યસ્ત કરી શકે છે.
શું ચોમાસું નબળું પડશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ હાલ પ્રશાંત મહાસાગરની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. અલ નીનો સક્રિય થવાને કારણે પ્રશાંત મહાસાગરની સપાટી ગરમ થાય છે, જેના લીધે ભારત તરફ આવતા ભેજવાળા પવનો નબળા પડે છે. જો આવું થશે, તો ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
દુષ્કાળનો ખતરો કેટલો?
વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો અલ નીનો તેની શરૂઆતની અવસ્થામાં જ શક્તિશાળી બનશે, તો ભારતના ઘણા રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડી શકે છે, જે દુષ્કાળ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. જોકે, ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે અલ નીનો હોવા છતાં ભારતને સામાન્ય વરસાદ મળ્યો હોય, પરંતુ આ વખતે વૈશ્વિક તાપમાન જે રીતે વધી રહ્યું છે તે જોતા જોખમ ઘણું વધારે છે.
વૈશ્વિક તાપમાન પર અસર
અગાઉ 1997-98 અને 2015-16માં જ્યારે શક્તિશાળી અલ નીનો આવ્યો હતો, ત્યારે દુનિયાભરમાં હવામાનના વિચિત્ર પેટર્ન જોવા મળ્યા હતા અને ગરમીએ નવા રેકોર્ડ સર્જ્યા હતા. આ વખતે પણ તે જ પ્રકારનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે માત્ર ખેતીને જ નહીં પણ દેશના જળસ્તર અને વીજળીની માંગને પણ અસર કરશે.
Post Views: 0











