યુદ્ધના મેદાનમાં ભારતની એન્ટ્રી: PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને કહ્યું- ‘હિંસા છોડો, શાંતિનો માર્ગ અપનાવો

મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અત્યંત ગંભીર અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવતા ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ પેજેશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યારે ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે સીધો સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો, ત્યાર બાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ સંવાદ છે. આ વાતચીત વૈશ્વિક રાજનીતિ અને ભારતના આર્થિક હિતો માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે.

વધતા તણાવ અને જાન-માલના નુકસાન પર ઊંડી ચિંતા

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંવાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રદેશમાં જે રીતે સુરક્ષાની સ્થિતિ કથળી રહી છે તે ચિંતાનો વિષય છે. નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે અને પાયાની સુવિધાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેના પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત હંમેશા માનવીય મૂલ્યોના રક્ષણ અને શાંતિપૂર્ણ ઉકેલનો આગ્રહી રહ્યો છે.

ભારતની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ: સુરક્ષા અને ઉર્જા

આ ઉચ્ચ સ્તરીય વાતચીત દરમિયાન વડાપ્રધાને ભારતની ચિંતાઓ અને પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. ખાસ કરીને:

  1. નાગરિકોની સલામતી: મિડલ ઈસ્ટના દેશોમાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી.

  2. એનર્જી સિક્યુરિટી: યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તેની તકેદારી રાખવી.

  3. સુરક્ષિત શિપિંગ: આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય જહાજો અને માલસામાનની અવરજવર જોખમાય નહીં તે જોવું.

હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ અને ઓઈલ ક્રાઈસિસનો ખતરો

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના હુમલા બાદ વળતા પ્રહાર તરીકે ઈરાને ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) નો દરિયાઈ માર્ગ બંધ કરવાની ચેતવણી આપી છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20% હિસ્સો આ રસ્તેથી પસાર થાય છે. આ રૂટ બંધ થવાથી વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે. પીએમ મોદીએ આ ગંભીર સ્થિતિમાં હિંસાનો માર્ગ ત્યજીને ‘વાતચીત અને મુત્સદ્દીગીરી’ (Diplomacy) દ્વારા વિવાદનો ઉકેલ લાવવા ઈરાનને અપીલ કરી છે.

રાજદ્વારી સ્તરે ભારતની સક્રિયતા

વડાપ્રધાનની આ વાતચીત પહેલા ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ મોરચો સંભાળ્યો હતો. તેમણે ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ચર્ચા કરીને શિપિંગ સેફ્ટી અને સ્ટેબલ એનર્જી સપ્લાય અંગે ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. ભારત અત્યારે આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE