આણંદ જિલ્લાના રાજકારણના ભીષ્મ પિતામહ અને ઉમરેઠ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગોવિંદભાઈએ આણંદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સમગ્ર ચરોતર પંથક અને ભાજપ સંગઠનમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
સાત ધોરણ પાસથી વિધાનસભા સુધીની સંઘર્ષમય સફર
1943માં જન્મેલા ગોવિંદભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. માત્ર સાત ધોરણ સુધીના અભ્યાસ છતાં તેમની કોઠાસૂઝ અને લોકસંપર્ક અદભૂત હતો. તેમણે પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કર્યું હતું. 2017માં તેઓ પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા.તેમની લોકપ્રિયતા એટલી હતી કે 2022ની ચૂંટણીમાં ભાજપે ફરી વિશ્વાસ મૂક્યો અને તેમણે 95,369 મતો સાથે જંગી બહુમતીથી જીત મેળવી હતી.
ગોવિંદભાઈ માત્ર નમ્ર જ નહીં, પણ નીડર નેતા પણ હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન જ્યારે સંગઠને તેમની ઉપેક્ષા કરી, ત્યારે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી ભાજપમાં ખળભળાટ મચાવી દીધો હતો.તે સમયે તેમણે ખુલ્લેઆમ સંગઠન સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મને મતવિસ્તારની બાબતોમાં પૂછવામાં આવતું નથી. સંગઠને મને ચૂંટણીમાં મદદ કરવાને બદલે હરાવવા કામ કર્યું છે.” તેમની આ નીડરતાને જોઈ મુખ્યમંત્રી રૂપાણીએ તેમને તાત્કાલિક ગાંધીનગર તેડાવ્યા હતા. તેમણે આણંદના સાંસદ મિતેશ પટેલ અને સ્થાનિક સંગઠનની નકારાત્મક ભૂમિકા સામે પણ આકરા પ્રહારો કર્યા હતા.. છતાં પક્ષ પ્રત્યેની વફાદારી અડગ રાખી હતી.
ગોવિંદભાઈ પરમારની ઓળખ એક એવા નેતા તરીકે હતી જે કોઈના દબાણમાં આવ્યા વગર પ્રજાનો અવાજ ઉઠાવતા. ભલે તેઓ ઉચ્ચ શિક્ષિત નહોતા.. પણ રાજકારણના સમીકરણો અને લોકોની નાડ પારખવામાં તેઓ માહેર હતા.
તેમના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી..ઉમરેઠના દરેક નાગરિકના હૃદયમાં ગોવિંદભાઈ હંમેશા એક ‘સેવાભાવી દાદા‘ તરીકે અમર રહેશે.
Post Views: 0











