એન.એસ.યુ.આઇ. એ ખાનગી શાળાઓની ફી પ્રશ્ને રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરીએ દેખાવો કર્યા હતા. એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં રજુઆત કરવામાં આવી છે કે, રાજય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની કોઇપણ સેલ્ફફાયાનાન્સ શાળામાં ૧૫૦૦૦/૨૫૦૦૦નાં સ્લેબ મુજબ ફી લેવામાં આવશે પણ ત્યાર પછી આ વાત માત્ર કાગળ ઉપર રહી હતી ત્યારબાદ સેલ્ફ ફાયનાંન્સ એશોસિએશન દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફંડ આપી ગુજરાતની પ્રજાને લુંટવાનો પરવાનો મેળવી લીધો? જીલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રથમ અને નૈતિક જવાબદારી થાય છે કે સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી (ફી રેગ્યુલર કમિટી) હાલમાં કાર્યરત ન હોય આપની ફરજ બને છે કે નવા સભ્યોની નિમણુક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લુંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે એવી અમારી માંગ છે. આ સાથે હાલની પરિસ્થિતિમાં ચાંદીપુરા વાઇરસનું જોખમ પણ વધ્યુ છે જેમાં બાળકો જ સૌથી વધુ ભોગ બને છે ત્યારે સાવચેતીના પગલાં લેવામાં આવે અને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે જરૂર જણાય ત્યાં આરોગ્ય વિભાગને સાથે રાખી બાળકોના આરોગ્યની કાળજી લેવામાં આવે જેથી શાળામાં કોઇ બાળકો સંક્રમિત ન થાય એવી પણ આ તકે રજુઆત કરવામાં આવે છે. તેમ એક યાદીમાં એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.











