દિલ્હીમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફૂટ્યો: ચાર શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

ધાર્મિક સ્થળો, પોલીસ મથકો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનું કાવતરું નિષ્ફળ; વિદેશી હથિયારો સહિત મહત્વના પુરાવા જપ્ત

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા ઓપરેશનમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા હોવાના આરોપ હેઠળ કાર્યરત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી અને પંજાબમાં એકસાથે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચાર શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ મોડ્યુલ રાજધાનીમાં આતંક ફેલાવવાના મોટા કાવતરાની તૈયારીમાં હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શુભદીપ સિંહ ઉર્ફે વિશાલ, ગુરજંત સિંહ ઉર્ફે ઋષિ, સાજન સિંહ ઉર્ફે હની અને ગગનપ્રીત તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર શહઝાદ ભટ્ટીના સતત સંપર્કમાં હતા અને તેના સૂચન મુજબ કામગીરી કરી રહ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી તુર્કીમાં બનેલી ઝિગાના પિસ્તોલ સહિત બે વિદેશી પિસ્તોલ, નવ જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી અનેક મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા મળ્યા હોવાનું તપાસ એજન્સીઓએ જણાવ્યું છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી શુભદીપે સરહદ પારથી ડ્રોન મારફતે મોકલાતા હથિયારો અને નશીલા પદાર્થોના જથ્થા સ્વીકારીને તેને આગળ પહોંચાડતો હોવાની માહિતી આપી હોવાનું પોલીસનું કહેવું છે. આ માહિતીના આધારે પંજાબમાંથી અન્ય બે સાથીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી ગગનપ્રીત દિલ્હીના ધાર્મિક સ્થળો, પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી તેમના વીડિયો પાકિસ્તાન મોકલતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેને રાજધાનીમાં ગોળીબાર કરીને દહેશત ફેલાવવાનો ટાસ્ક પણ સોંપવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસને મળેલા ચોક્કસ ગુપ્ત ઇનપુટ્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ હવે આ મોડ્યુલના અન્ય સંપર્કો, સંભવિત સ્લીપર સેલ અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવામાં વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE