મહત્વના વિભાગોના અધિકારીઓના સામૂહિક નિર્ણયથી ચર્ચાનો માહોલ; રાજીનામાના કારણો અંગે સત્તાવાર સ્પષ્ટતા નહીં
વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં એકસાથે પાંચ વરિષ્ઠ અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવાનો નિર્ણય જાહેર કરતાં વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. વિવિધ મહત્વના વિભાગોની જવાબદારી સંભાળતા અધિકારીઓના આ સામૂહિક નિર્ણયને લઈને કોર્પોરેશનના વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, પાંચેય અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે. એકસાથે અનેક અધિકારીઓ સેવા છોડવાનો નિર્ણય લેતા કોર્પોરેશનના વહીવટી માળખા અને કામગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે.
સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરનારા અધિકારીઓમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ, રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન, વોર્ડ નં. 17ના વોર્ડ ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નં. 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર તેમજ વોર્ડ નં. 16ના વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસર પરાગ મોદીનો સમાવેશ થાય છે.
આ તમામ અધિકારીઓ લાંબા સમયથી મહાનગરપાલિકાના મહત્વના વિભાગોમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના એકસાથે લેવામાં આવેલા નિર્ણયને લઈને વહીવટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જોકે, સ્વૈચ્છિક નિવૃત્તિ પાછળના કારણો અંગે અધિકારીઓ કે મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીઓ અંગે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.










