યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર; ગુજરાતમાં બે મહિનામાં બીજી પેટાચૂંટણી
વડોદરા: ગુજરાતમાં ફરી એક વખત વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ જામ્યો છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપના આઠ વખતના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 14 જુલાઈથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારીની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ઉતરશે.
દેશમાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, જેમાં ગુજરાતની માંજલપુર બેઠક ઉપરાંત બિહાર અને મધ્યપ્રદેશની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.
આ વર્ષે ગુજરાતમાં યોજાનારી આ બીજી વિધાનસભા પેટાચૂંટણી છે. અગાઉ ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ વિજેતા રહ્યા હતા.
માંજલપુર બેઠક વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે સતત આઠ ટર્મ સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે તેમની ખાલી પડેલી બેઠક માટે ભાજપમાં ઉમેદવારી મેળવવા અનેક દાવેદારો સક્રિય બન્યા છે.
પાર્ટીમાં પૂર્વ શહેર પ્રમુખ વિજય શાહ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ તેમજ યોગેશ પટેલના નજીકના સાથી અને સામાજિક ક્ષેત્રે સક્રિય મયંક પટેલ સહિત અનેક નામોની ચર્ચા ચાલી રહી છે.
આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાં યોજાનારી આ પેટાચૂંટણીને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ઉમેદવાર ઉતારી જોરદાર ચૂંટણી જંગ લડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.










