પોરબંદરથી રાજકોટ સુધી ચોમાસું સક્રિય; 4થી 6 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ થોડા દિવસો સુધી ધીમી ગતિએ આગળ વધેલું નૈઋત્ય ચોમાસું હવે ઝડપથી સક્રિય બન્યું છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ચોમાસાએ સૌરાષ્ટ્રમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતને આવરી લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ ચોમાસાની સીમા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાહજહાંપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, મેરઠ, કર્નાલ અને ગુરુદાસપુરમાંથી પસાર થઈ રહી છે. તેના પરિણામે પોરબંદરથી રાજકોટ જિલ્લાના શાપર વિસ્તાર સુધી ચોમાસું સક્રિય બન્યું છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે.
જો કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગમન હજુ બાકી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર તેમજ ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આગળ વધશે.
આગાહી મુજબ 7 જુલાઈ સુધી ગુજરાત રીજન, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે 4થી 6 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિકથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ચોમાસું હવે સૌરાષ્ટ્રમાં સક્રિય બનતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે પણ આ આગાહી રાહતના સમાચાર સમાન બની છે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદથી ખેતી, જળાશયો અને પીવાના પાણીની સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.










