આણંદ: આણંદના પ્રતિભાશાળી યુવા સંશોધક કુશલ પંકજકુમાર શાહે સીવીએમ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી વિષયમાં ડૉક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.)ની પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ વડોદરા સ્થિત સન ફાર્મા કંપનીમાં કાર્યરત છે.
કુશલ શાહે “સ્ટેબિલિટી એન્ડ ડિગ્રેડેશન નેચર ઓફ નોન-ઓરલ ડ્રગ પ્રોડક્ટ્સ: એ ડીટેલ્ડ કોમ્પેરેટિવ સ્ટડી ઓફ વેરિયસ જનરિક પ્રોડક્ટ્સ વર્સેસ બ્રાન્ડેડ કંપનીઝ નોન-સ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs) સેમ્પલ્સ” વિષય પર સંશોધન કરીને પીએચ.ડી. પૂર્ણ કરી છે.
આ સંશોધનમાં નોન-ઓરલ ડ્રગ પ્રોડક્ટ્સની સ્થિરતા અને વિઘટનના સ્વભાવનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમજ જનરિક અને બ્રાન્ડેડ દવાઓની તુલનાત્મક ચકાસણી કરવામાં આવી છે. અભ્યાસના તારણો મુજબ, કિંમતમાં ઓછી હોવા છતાં જનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સુરક્ષિત અને અસરકારક હોવાનું સાબિત થયું છે. આ સંશોધન ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ સંશોધન કાર્ય ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી વિભાગ, આઈસ્ટારના વિભાગાધ્યક્ષ ડૉ. રોહિત એચ. દવેના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. તેમના માર્ગદર્શન હેઠળ કુશલ શાહે ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.
પીએચ.ડી.ની વાઇવા પ્રક્રિયા દરમિયાન શ્રી બી. વી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદના ડિરેક્ટર ડૉ. મનીષ નિવસારકર એક્સટર્નલ એક્ઝામિનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કુશલ શાહની આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, મિત્રો તેમજ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક વર્તુળોમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો છે. તેમની આ ઉપલબ્ધિને સતત મહેનત, સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વૈજ્ઞાનિક અભિગમનું ઉત્તમ પ્રતિબિંબ ગણાવવામાં આવી રહી છે.











