અગ્નિકાંડ મુદ્દે અનોખો કાર્યક્રમ : કોંગેસ લોકમેળામાં ‘ન્યાય સ્ટોલ’ નાંખશે

પીડીતોને ન્યાય અપાવવા લોકજાગૃતિ સર્જાવાનો ઉદ્દેશ , સ્ટોલ આપવા માટે જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માંગણી : ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ત્રીપલ એન્જિનની સરકાર કોર્પોરેશનથી લઇ અને સંસદ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. અને તેની ભૂખ પૂરી થતી જ નથી ત્યારે લોકોને જાગૃત કરવા અમે અમારી ફરજ છે. જે રીતના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવી રહી છે. એમાં ખ્યાલ આવે છે કે ગુજરાત સરકાર કોર્પોરેશનના તેના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી રાજકોટની પ્રજા મા નારાજગી વ્યાપી ગયેલ છે. ગુજરાતમાં રાજકોટ એ કોઈ પેલી ઘટના નથી પરંતુ આગલી ઘટનાઓમાં વડોદરામાં હરણીકાંડ, સુરતના તક્ષશિલા કાંડ, રાજકોટના હોસ્પિટલમાં આગની ઘટના, મોરબીના ઝુલતા પુલની ઘટના આ તમામ ઘટનાઓને છાવરવામાં આવી છે. અને એમાં કોઈ પણ હજી જેલની સજા પામ્યા નથી. ભ્રષ્ટાચાર લેનારને પકડ્યો છે પરંતુ ભ્રષ્ટાચાર કરનાર ને પકડ્યો નથી. તેને સરકારી અધિકારીઓ દ્વારા છાવરવામા આવી રહ્યો છે. એક સાગઠીયાને પકડીને સંતોષ માન્યો છે. સાગઠીયાએ કેટલાક ભાજપ અગ્રણીઓનાં નામ આપ્યા છે. પરંતુ તે બહાર આવ્યું નથી. જેમાં રૂપાપરાનું નામ પણ ખુલ્યું છે. પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોક જાગૃતિનું કામ અમે મેળામાં સ્ટોલ મેળવી અને કરવા માગીએ છીએ અને આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડ પીડિતો જે ન્યાય અંગેના સ્ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. સરકાર મેળામા નવી વાત મૂકી પોતાનું ભ્રષ્ટાચાર છુપાવશે. જો સરકાર લોકમેળામાં આ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્ત ગેમ ઝોન માં જ ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી પરંતુ રસ્તાના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરવામાં આવે છે. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ વધુમાં જણાવે છે કે સરકાર ભાવનગરની રથયાત્રામાં એક પ્લોટ પણ સહન કરી શકતી ન હોય ત્યારે સ્ટોલ નહીં આપે તો પત્રિકા દ્વારા મેળામાં જાગૃતિ કરવાનું કામ કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, ધરમભાઈ કાંબલીયા, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, ડી.પી. મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE