નવી હોસ્પિટલનું કામ વર્ષોથી અટવાયું, સ્ટાફની અછત અને સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન; મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
જેતપુર: જેતપુર શહેર અને તાલુકાના હજારો દર્દીઓ માટે મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલના નવા મકાનનું કામ વર્ષો બાદ પણ શરૂ ન થતાં યુવક કોંગ્રેસે સરકાર અને તંત્ર સામે મોરચો માંડ્યો છે. રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી અનીકેત બાવીસાના નેતૃત્વમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી ચેતવણી આપવામાં આવી છે કે આગામી 30 દિવસમાં કામગીરી શરૂ નહીં થાય તો ભૂખહડતાલ સહિતના ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષ 2022-23 દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે જેતપુર સિવિલ હોસ્પિટલના નવા અદ્યતન ભવનને મંજૂરી આપવામાં આવી હતી. જોકે આજે પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં જૂની બિલ્ડિંગ તોડવાની કામગીરી પણ શરૂ થઈ નથી. બીજી તરફ ઉપલેટામાં મંજૂર થયેલી સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે, જ્યારે જેતપુરમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી.
યુવક કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પી.આઈ.યુ. (PIU) વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે સમગ્ર પ્રોજેક્ટ અટકી ગયો છે અને અગાઉ આપવામાં આવેલા કામ ઝડપથી શરૂ કરવાના આશ્વાસનો માત્ર કાગળ પર જ રહ્યા છે.
આવેદનપત્રમાં હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. હાલમાં ત્રણ મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન અને એન.સી.ડી. મેડિકલ ઓફિસરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનું જણાવાયું છે. સોનોગ્રાફી માટે નિષ્ણાત ડોક્ટર ન હોવાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડી રહી હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું છે.
હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓ માટે પૂરતી જગ્યા ન હોવા ઉપરાંત વાહનોના અવ્યવસ્થિત પાર્કિંગને કારણે એમ્બ્યુલન્સની અવરજવરમાં પણ અડચણો ઉભી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેટ પાસે અલગ ઓપીડી યુનિટ શરૂ કરવા, સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવા અને એમ્બ્યુલન્સ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
યુવક કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 30 દિવસમાં હોસ્પિટલના નવા ભવનનું કામ શરૂ નહીં થાય અને અન્ય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કાર્યકરો મામલતદાર કચેરી સામે ભૂખહડતાલ પર બેસશે. આંદોલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને પણ મોકલવામાં આવી હોવાનું યુવક કોંગ્રેસે જણાવ્યું છે.











