પ્રથમ જ વરસાદે તંત્રની પોલ ખોલી: દેવકી ગાલોલમાં ડ્રાઇવર્ઝન ધોવાયું, જેતપુર-બગસરા માર્ગ બંધ

ગાલોરીયા નદીમાં પાણીનો પ્રવાહ વધતા કામચલાઉ રસ્તો તૂટ્યો; દોઢ વર્ષથી પુલનું કામ અધૂરું હોવા પર ગ્રામજનોમાં ભારે રોષ

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ચોમાસાના પ્રથમ જ નોંધપાત્ર વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની હકીકત સામે લાવી દીધી છે. દેવકી ગાલોલ ગામ પાસે ગાલોરીયા નદી પર બનાવવામાં આવેલું કામચલાઉ ડ્રાઇવર્ઝન વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતાં જેતપુર-બગસરા માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં મુસાફરો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જેતપુર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લાંબા સમયથી અનુભવાતી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. જોકે દેવકી ગાલોલ અને ઉપરવાસ વિસ્તારમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ પડતાં ગાલોરીયા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને કામચલાઉ ડ્રાઇવર્ઝન તૂટી ગયું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગાલોરીયા નદી પર નવા પુલનું નિર્માણ છેલ્લા દોઢ વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. પુલનું કામ સમયસર પૂર્ણ ન થતાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પુલના વિકલ્પ તરીકે બનાવવામાં આવેલું કામચલાઉ ડ્રાઇવર્ઝન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જો માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ માર્ગ સંપર્ક તૂટી જાય છે, તો આગામી ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ અનેક વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે અને લોકોને લાંબો ચક્કર મારીને ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી રહી છે.

ગ્રામજનોએ તંત્રને પુલનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ સાથે ચોમાસા પહેલાં જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE