ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 2 જિલ્લામાં રેડ, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ચોમાસું બન્યું વધુ સક્રિય; સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી ચેતવણી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળામાં પાણીની આવક વધવા અને જનજીવન પ્રભાવિત થવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટ હેઠળ પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. નાગરિકોને નદી-નાળા નજીક ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE