દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ખેડૂતોમાં ખુશી; 6 જુલાઈ સુધી વધુ વરસાદની આગાહી
અમદાવાદ: લાંબી રાહ બાદ ચોમાસાએ આખરે ગુજરાતમાં જોરદાર રંગ જમાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અડધાથી વધુ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 જિલ્લાના 107 તાલુકાઓમાં હળવાથી લઈને અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 203 મીમી (લગભગ 8 ઇંચ) વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડતા સુરત જિલ્લાના બારડોલીમાં 197 મીમી, મહુવામાં 191 મીમી, અંબિકામાં 164 મીમી અને ઉમરપાડામાં 120 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 196 મીમી, વાપીમાં 189 મીમી અને પારડીમાં 113 મીમી વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના પાલોદમાં 102 મીમી અને વ્યારામાં 92 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારી, ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી હતી. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 178 મીમી, કેશોદમાં 132 મીમી, માંગરોળમાં 121 મીમી અને ભેંસાણમાં 107 મીમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 178 મીમી અને વેરાવળમાં 85 મીમી વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લામાં લોધિકામાં 85 મીમી, ગોંડલમાં 72 મીમી, જામકંડોરણામાં 63 મીમી, કોટડા સાંગાણીમાં 44 મીમી, ધોરાજીમાં 35 મીમી અને જેતપુરમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં બગસરામાં 52 મીમી, રાજુલામાં 45 મીમી અને અમરેલી શહેરમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નહોતો. જુલાઈના પ્રથમ જ દિવસે રાજ્યમાં સરેરાશ 17.54 મીમી વરસાદ નોંધાતા ચોમાસાની સારી શરૂઆત જોવા મળી છે. જોકે હજુ પણ રાજ્યના 28 તાલુકાઓમાં એક ટીપું વરસાદ નોંધાયો નથી.
ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં સરેરાશ 909 મીમી વરસાદ થાય છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 52.75 મીમી, એટલે કે કુલ મોસમી વરસાદના 5.80 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોમાં આશા અને તંત્રમાં સતર્કતા જોવા મળી રહી છે.










