ગુજરાતમાં GST વસૂલાતમાં જોરદાર ઉછાળો: જૂનમાં ₹7,800 કરોડની આવક, 28 ટકાનો વધારો

નવ વર્ષમાં કરદાતાઓની સંખ્યા ત્રણ ગણી થઈ; રાજ્યની કુલ કર આવક ₹11,873 કરોડે પહોંચી

ગાંધીનગર: ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકમાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. જૂન-2026 દરમિયાન રાજ્યને GST હેઠળ ₹7,800 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 28 ટકા વધુ છે. રાજ્ય કર વિભાગના આંકડા મુજબ જૂન-2025માં રાજ્યને GSTમાંથી ₹6,149 કરોડની આવક થઈ હતી.

1 જુલાઈ, 2017થી સમગ્ર દેશમાં અમલમાં આવેલા GST કાયદાએ **’વન નેશન, વન ટેક્સ’**ની વ્યવસ્થાને સાકાર કરી હતી. આ વ્યવસ્થાથી દેશભરમાં માલ અને સેવાઓ પર એકસરખો કર અમલમાં આવ્યો છે, જેના કારણે વેપાર વધુ પારદર્શક બન્યો છે અને આંતરરાજ્ય વેપારમાં પણ સરળતા આવી છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટની અસરકારક વ્યવસ્થાના કારણે વેપારીઓ પર કરનું ભારણ ઘટ્યું છે, જ્યારે ગ્રાહકોને પણ તેનો સીધો લાભ મળ્યો છે.

GST અમલીકરણ બાદ માત્ર નવ વર્ષમાં ગુજરાતના ટેક્સ બેઝમાં 181 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. વર્ષ 2017માં રાજ્યમાં 5.08 લાખ નોંધાયેલા કરદાતાઓ હતા, જે વધીને આજે 14.31 લાખ સુધી પહોંચી ગયા છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ GST વ્યવસ્થાને કારણે વેપારીઓ માટે ટેક્સ કોમ્પ્લાયન્સ વધુ સરળ બન્યું છે. ગુજરાત સતત પાંચમા વર્ષે સમયમર્યાદામાં GST રિટર્ન ફાઇલ કરવામાં દેશભરમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 99.6 ટકા GST રિટર્ન સમયસર ભરાયા હોવાનું પણ નોંધાયું છે.

રાજ્યની GST આવકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરેરાશ 20 ટકાથી વધુના વાર્ષિક વૃદ્ધિદર (CAGR) સાથે વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં ₹30,628 કરોડ રહેલી GST આવક વધીને 2025-26માં ₹83,066 કરોડ થઈ ગઈ છે.

જૂન-2026 દરમિયાન રાજ્યને GST હેઠળ ₹7,800 કરોડ, VAT હેઠળ ₹3,073 કરોડ, વીજ શુલ્ક હેઠળ ₹979 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹21 કરોડની આવક મળી હતી. આમ, રાજ્ય કર વિભાગને વિવિધ કર માધ્યમો દ્વારા કુલ ₹11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

GST દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય કર વિભાગે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં 105થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરીને સામાજિક સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE