APMC વેપારીઓને સાયબર ફ્રોડમાં ફસાવવાની ધમકી આપી રૂ.30 લાખની ખંડણી માગી; રૂ.21 લાખમાં મામલો ‘સેટલ’ કરવાની ઓફરનો ખુલાસો
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ટેક્નિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ APMC સાથે સંકળાયેલી પેઢીઓના સંચાલકોને સાયબર ફ્રોડના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.30 લાખની ખંડણીની માંગણી કરી હતી. વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ કથિત રીતે ખોટા કેસમાંથી બચાવવા અને કાર્યવાહી અટકાવવાના બહાને રૂ.21 લાખમાં મામલો ‘સેટલ’ કરી આપવાની વાત પણ કરી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે ડિજિટલ પુરાવા, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. હાલ આરોપીઓના સમગ્ર નેટવર્ક, આ પ્રકારના અન્ય ગુનાઓમાં સંડોવણી તથા અન્ય સાગરિતોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલી રહી છે.











