રાજકોટ બંધને વકીલોનો ટેકો : બાર એસોસીએશને કર્યો ઠરાવ

તમામ કેસો જે તે સ્ટેજ પર રાખવા ડીસ્ટ્રીકટ જજને વિનંતી કરાઈ : ઘટનામાં મૃત્યુ પામેલ હતભાગીઓને શ્રદ્ધાંજલી પાઠવવાની ભાવનાથી કાર્યવાહીથી અલિપ્ત રહેશે

આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના બનાવમાં રાજકોટ બંધનું એલાન છે ત્યારે કાલે રાજકોટના વકીલો પણ બંધ પાડશે અને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવશે, ઉપરાંત આ બંધના કારણે તપાસ કેસ જે તે સ્ટેજે જાળવી રાખવા ડીસ્ટ્રીકટ જજને વિનંતી કરાઈ છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં તા.25 મે ના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. આવતીકાલે 25 જુનના રોજ આ ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ બાર એસો.ના સેક્રેટરી પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, હતભાગીઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલી આપવાની ભાવનાથી રાજકોટ બાર એસો.ના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ અંગે બાર એસો.એ એક ઠરાવ કર્યો છે. ઠરાવમાં જણાવ્યું છે કે, અગ્નિકાંડની કરૂણ દુર્ઘટનાને એક માસ પુર્ણ થાય છે. અગ્નિકાંડમાં ભોગ બનનાર તમામને શ્રદ્ધાંજલી અર્પણ કરવાના ભાગરૂપે રાજકોટ બંધનુ એલાન હોય તે સંજોગોમાં રાજકોટ શહેર તેમજ બહારગામથી આવતા પક્ષકારોને હેરાનગતી કે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજકોટ બાર એસોસીએશનના તમામ સભ્યો દ્વારા તા. 25ના રોજ અરજન્ટ મેટર સિવાયની મેટરમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજને તથા તમામ ન્યાયાધીશને વિનંતી કરવામાં આવે છે કે તા. 25 કોઈપણ વકીલની ગેરહાજરીમાં કોઈપણ કેસમાં વોરંટ કે હકક બંધ કરવાની કાર્યવાહીને મોકુફ રાખીને તમામ લાગતા વળગતા કેસમાં પ્રોસીડીંગ્સ એ જ પ્રકારે યથાવત રાખવા રાજકોટ બાર એસોસીએશન વિનંતી કરે છે તેમ રાજકોટ બારના પ્રમુખ બકુલભાઈ રાજાણી અને સુરેશભાઈ ફળદુની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE