અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ભારતમાં કામકાજની સ્થિતિ-2026’ રિપોર્ટમાં દેશના શિક્ષિત યુવાનોની રોજગારી અંગે ચિંતાજનક આંકડા રજૂ કરવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, ભારતમાં 20 થી 29 વર્ષની વયના કુલ 6.3 કરોડ સ્નાતકો છે. જેમાંથી 1.1 કરોડ યુવાનો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે..આ આંકડો સ્પષ્ટ કરે છે કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ યોગ્ય રોજગારી મેળવવી એ યુવાનો માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
યુવાનોમાં બેરોજગારીના દરની વાત કરીએ તો, 15 થી 25 વર્ષની વયના સ્નાતકોમાં આ દર 40 ટકા જેટલો આશ્ચર્યજનક રીતે ઊંચો છે.. જ્યારે 25 થી 29 વર્ષના વયજૂથમાં તે 20% જોવા મળે છે..બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યાના એક વર્ષની અંદર માત્ર 7ટકા સ્નાતકો જ કાયમી અને સુરક્ષિત પગારવાળી નોકરી મેળવવામાં સફળ રહે છે. જોકે, સ્નાતકોની શરૂઆતની કમાણી બિન-સ્નાતકો કરતા બમણી હોય છે..પરંતુ વર્ષ 2011 પછી યુવાન પુરુષ સ્નાતકોના વેતન વૃદ્ધિના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
શિક્ષણના વ્યાપની દ્રષ્ટિએ જોતા છેલ્લા દાયકાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે…ઉચ્ચ શિક્ષણમાં નોંધણીનો દર વધીને 28% સુધી પહોંચી ગયો છે. અને દર એક લાખ યુવાનો પર કોલેજોની સંખ્યા 2010માં 29 હતી. જે 2021માં વધીને 45 થઈ ગઈ છે. જોકે, આ જ સમયગાળામાં પુરુષોના શિક્ષણ દરમાં ઘટાડો નોંધાયો છે..2017માં 38% પુરુષો ઉચ્ચ શિક્ષણમાં નોંધણી કરાવતા હતા.. જે 2024ના અંત સુધીમાં ઘટીને 34% થઈ ગયો છે…આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્થિક ભીંસ અને પરિવારની જવાબદારીઓ પૂરી કરવા માટે વહેલી તકે કમાણી શરૂ કરવાની મજબૂરી છે.
આર્થિક રીતે નબળા પરિવારોની ઉચ્ચ શિક્ષણમાં ભાગીદારી વધી છે.. જે 2007માં 8% હતી તે 2017માં વધીને 15% સુધી પહોંચી ગઈ છે…આમ છતાં, એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા મોંઘા પ્રોફેશનલ કોર્સમાં હજુ પણ આર્થિક રીતે સંપન્ન વર્ગના વિદ્યાર્થીઓનું વર્ચસ્વ કાયમ છે…આ આર્થિક અસમાનતા સાબિત કરે છે કે ગરીબ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાના વ્યાવસાયિક અભ્યાસક્રમો હજુ પણ પૂરતા સુલભ બન્યા નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય યુવાનોની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે.. તેઓ હવે ખેતી છોડીને સેવા (Service) અને ઉત્પાદન (Manufacturing) ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છે. આ બદલાવને કારણે 2010 પછી આઈટીઆઈ (ITI) સંસ્થાઓની સંખ્યામાં 300 ટકા જેવો તોતિંગ વધારો થયો છે. જોકે, ઝડપથી વધી રહેલી ખાનગી સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તા અને તેના આધારે મળતી નોકરીઓની યોગ્યતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
Post Views: 0











