ભારત અને કેનેડાના બગડતા સંબંધો વચ્ચે કેનેડાના પરિવહન મંત્રીએ નવી જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, કેનેડાથી ભારત આવતા લોકોની વિશેષ તપાસ કરવામાં આવશે.
ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં ગયા વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર કેટલાય આરોપ લગાવ્યા, જેના પર ભારત તરફથી તીખી પ્રતિક્રિયા પણ આપવામાં આવી. ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ વચ્ચે કેનેડા સરકારે વધુ એક આદેશ જારી કર્યો છે, જેનાથી કેનેડાથી ભારત આવનારા યાત્રીઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. કેનેડાની સરકારે કેનેડાથી ભારત આવતા લોકોની વધારાની સુરક્ષા તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે આ માહિતી આપી. તેમણે લોકોને સમયસર એરપોર્ટ પહોંચવાની અપીલ કરી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેમનું મંત્રાલય ભારત પ્રવાસ કરતા લોકો માટે સુરક્ષા પગલાં વધારશે. તેમણે ભારત પ્રવાસ કરતા લોકોની તપાસમાં ‘અત્યંત સાવધાની’ રાખવાની વાત કરી છે.
વધશે મુસાફરોની મુશ્કેલી
તેમણે કહ્યું કે ટ્રાન્સપોર્ટ કેનેડાએ ભારત આવતા મુસાફરો માટે અસ્થાયી ધોરણે વધારાના સુરક્ષા સ્ક્રીનિંગ પગલાં લાગુ કર્યા છે. કેનેડા સરકારના આ નવા સુરક્ષા-સંબંધિત નિયમો અમલમાં રહેવા દરમિયાન મુસાફરોને સ્ક્રીનિંગમાં થોડો વિલંબ થઈ શકે છે. આ નિયમો કેનેડા એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. આ એજન્સી હવાઈ મુસાફરી કરતા લોકોની સુરક્ષા તપાસ અને તેમના સામાનની સ્ક્રીનિંગ કરવા માટે જવાબદાર છે. આ આદેશ હેઠળ કેનેડાથી ભારત જતા મુસાફરોએ વધારાની સુરક્ષા તપાસનો સામનો કરવો પડશે. કેનેડાની સરકારે ભારત જનારા પ્રવાસીઓને ચાર કલાક અગાઉ એરપોર્ટ પર આવવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: PM મોદીના નામે વધુ એક યશકલગી, ગુયાના અને બાર્બાડોસ આપશે સર્વોચ્ચ સન્માન
તપાસ પગલાંમાં શું-શું સામેલ હશે?
CATSA દ્વારા હાથ ધરવામાં આવતી સ્ક્રીનિંગમાં જ્યારે કોઈ વ્યક્તિ પર શંકા હોય કે શોધવાની જરૂર હોય ત્યારે હાથની તપાસ, એક્સ-રે મશીનમાંથી કેરી-ઓન બેગ પસાર કરવી અને મુસાફરોની શારીરિક તપાસ (ફ્રિસ્કિંગ)નો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનનો કોઈ ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેમણે આ પાછળનું કોઈ નક્કર કારણ પણ જાહેર કર્યું નથી. તેથી આ પગલા પાછળ કેનેડાનો ઈરાદો શું છે તેવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે.











