રાજકોટના સદગુરૂ આશ્રમમાં મંગલાઆરતી, સાયંકાલીન મહાઆરતી, સદગુરૂદેવનું ષોડશોપચાર પૂજન, રામરક્ષા સ્તોત્ર, પ્રાર્થના વગેરે યોજાયાં હતા. સદગુરૂદેવના દર્શનની ઝાંખી કરાઈ હતી જયારે સદગુરૂદેવના ચરણ પાદુકા દર્શનનું આયોજન કરાયું હતું. સદગુરૂ આશ્રમમાં આખો દિવસ લાઈવ ભજીયા તથા જાંબુનો મહાપ્રસાદ ભકતોને અપાયો હતો .સવારના 6 થી 1-30, બપોરના 3 થી 11-30 સદગુરૂ રક્ષા દોરીનું વિતરણ કરાયુ હતું. સુપર મેગા નેત્રયજ્ઞનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ હતું તેમ ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણીએ જણાવેલ હતું. જ્યારે રામકૃષ્ણ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે સવારે પાંચ વાગે મંગલા આરતી, વેદપાઠ, સ્તોત્ર પાઠ, વિશેષ પૂજા, ભજનો, સવારે 10-30 કલાકે હોમ તથા પુષ્પાંજલી, બપોરના 11-30 કલાકે ગુરૂમહિમા, વિષે પ્રવચન, બપોરના 12 વાગે ભોગ આરતી, પ્રસાદ વિતરણ, સાંજે 6-30 કલાકે શ્રી રામકૃષ્ણ નામ સંકીર્તન, સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી તથા ભજનો રાખવામાં આવેલ હતો. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી. કાલાવડ રોડ પર આવેલ પ્રેમભીક્ષુ સંકીર્તન મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિતે વિશેષ અનુષ્ઠાનો યોજવામાં આવેલ હતા.











