સહકારનગર રોડ ઉપર શનિવારે ખેલાયેલા ખૂની ખેલમાં ઘાયલ યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો
આરોપીના ભાઈએ મૃતક અને તેના પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે કેસમાં સમાધાન કરવા બે વર્ષથી માથાકૂટ ચાલતી’તી
રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા રસ્તા પર ધર્મજીવન એપાર્ટમેન્ટની નીચે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર સામે જ યુવકને છરીના છથી સાત ઘા ઝીકી દેવાતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ હત્યા પાછળ હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે ચાલી રહેલુ મનદુ:ખ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી બાજુ હત્યાને અંજામ આપનાર આરોપીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે.
આ અંગે સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ.૭૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ પહેલાં નવરાત્રિમાં નવમા નોરતે નવમના દિવસે ફરિયાદી તેમજ તેમનો પુત્ર ઘનશ્યામસિંહ તેમના ધોરાજી તાલુકાના ભાડેર ગામે હતા ત્યારે ગામના જ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે માથાકૂટ થઈ હોય ઘનશ્યામસિંહે અનુપસિંહ વાઘેલા અને તેમના પુત્ર ઘનશ્યામસિંહને છરીના ઘા ઝીકી દેતા ગત ૧૨-૧૦-૨૦૨૪ના તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઘનશ્યામસિંહ સામે હત્યાના પ્રયાસની કલમાો હેઠળ પાટણવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આ કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર હોય કોર્ટે અનુપસિંહ તેમજ અન્ય વ્યક્તિઓના સમન્સ કાઢ્યા હતા.










