શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂ. મોરારીબાપુના સાધુવાદ

સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા પૂજ્ય મોરારીબાપુએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલા મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞની મુલાકાત લઈ તેની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા *’વસ્ત્ર પ્રસાદ’*નું નિદર્શન કરીને બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ટ્રસ્ટની આ પહેલને શ્રદ્ધા, સેવા અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ગ્રામ્ય વિસ્તારની સખીમંડળ અને સ્વ-સહાય જૂથોની મહિલાઓને સીવણ તથા હસ્તકલા નિર્માણની તાલીમ આપી તેમને સિલાઈ મશીન તેમજ જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. તાલીમબદ્ધ મહિલાઓ સોમનાથ મહાદેવને અર્પણ થતા વસ્ત્રો, પાઘ અને પીતાંબરનો સર્જનાત્મક ઉપયોગ કરીને ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા, આસન સહિતની વિવિધ કલાત્મક અને ધાર્મિક ઉપયોગની સામગ્રી તૈયાર કરે છે.

ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં મહાદેવને અર્પિત પવિત્ર વસ્ત્રોમાંથી તૈયાર કરાયેલા આશરે 21 હજાર વસ્ત્ર પ્રસાદોનું રાજ્યભરમાં વિતરણ કરવામાં આવ્યું છે. આ વસ્ત્ર પ્રસાદ વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો તથા આદિવાસી વિસ્તારોમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. ઉપરાંત, ભક્તોની માંગને ધ્યાનમાં રાખી સોમનાથ ખાતેના સોવેનિયર કાઉન્ટરો તેમજ ટ્રસ્ટની વેબસાઇટ મારફતે પણ વસ્ત્ર પ્રસાદ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

તાલીમ પ્રાપ્ત બહેનો દ્વારા તૈયાર કરાયેલા આશરે 500 ઝભ્ભાઓનું સફળ વેચાણ થયું છે. ઉપરાંત સિલાઈ દરમિયાન વધતા લેસના પટ્ટા, માળા અને અન્ય સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ કરીને અંદાજે 5 હજાર કલાત્મક ગૃહસુશોભનની વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવી છે, જે ભક્તિ સાથે પર્યાવરણમૈત્રી અને સ્વરોજગારીનો સુંદર સંદેશ આપે છે.

પૂજ્ય મોરારીબાપુએ બહેનોની કળા, સમર્પણ અને આત્મનિર્ભરતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ માટે હાથ ધરાયેલી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ટ્રસ્ટના આદરણીય અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના *”સબકા સાથ, સબકા વિકાસ”*ના મંત્રને સાકાર કરતી આ કામગીરીને શ્રદ્ધા, કલા અને રોજગારીના ઉત્તમ સમન્વય તરીકે બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE