ગુજરાત પોલીસમાં મેગા અપગ્રેડ: હજારો નવી ભરતી સાથે ટ્રાફિક, સાયબર અને નાર્કોટિક્સ માટે અલગ સ્પેશિયલ ફોર્સ

મુખ્ય ધ્યાન ટેક્નોલોજી આધારિત પોલીસિંગ પર; AI સર્વેલન્સ, ડાયલ-112 અને ગુનાખોરી નિયંત્રણ માટે રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન

અમદાવાદ: ગુજરાત સરકાર રાજ્ય પોલીસ દળને વધુ આધુનિક, સક્ષમ અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું પોલીસ સુદૃઢીકરણ અભિયાન અમલમાં મૂકી રહી છે. રાજ્યભરમાં હજારો પોલીસ કર્મચારીઓની ભરતી, ટ્રાફિક બ્રિગેડના વિસ્તરણ, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિરોધી વિશેષ દળોની રચના તેમજ AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવાની કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલી વિગતો મુજબ રાજ્ય સરકારે પોલીસ દળની કાર્યક્ષમતા વધારવા માટે ભરતી પ્રક્રિયાને વેગ આપ્યો છે. પ્રથમ તબક્કામાં 10,861 કોન્સ્ટેબલ અને 472 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કામાં 13,591 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા રાજ્યના 38 જિલ્લાઓ અને શહેરોમાં 3,261 ટ્રાફિક બ્રિગેડ જવાનોની નિમણૂક કરવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ 650 નવા ટ્રાફિક કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ SVNIT, સુરતના સહયોગથી AI આધારિત ટ્રાફિક ઇન્ટેલિજન્સ અને રોડ સેફ્ટી મોડલ વિકસાવવામાં આવશે.

સરકારે વધારાની 2,109 કોન્સ્ટેબલ જગ્યાઓને મંજૂરી આપી છે. તેમાંથી 2,000 જવાનો ડાયલ-112 જનરક્ષક પ્રોજેક્ટ માટે ફાળવાશે, જ્યારે VISHWAS, NETRAM અને TRINETRA જેવા AI આધારિત સર્વેલન્સ પ્રોજેક્ટને પણ મજબૂત બનાવવામાં આવશે.

ગંભીર અને આધુનિક ગુનાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ નિયંત્રણ, માનવ તસ્કરી, સંગઠિત ગુના અને આતંકવાદ વિરોધી તપાસ માટે વિશેષ ટીમો ઉભી કરવામાં આવી રહી છે. પ્રોસિક્યુશન એન્ડ ક્રાઇમ સેલને પણ વધારાનું માનવબળ ફાળવી તપાસ અને કાનૂની કાર્યવાહી વચ્ચેનું સંકલન મજબૂત બનાવવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ સમગ્ર અભિયાનથી ગુજરાત પોલીસ વધુ ટેક્નોલોજી આધારિત, ઝડપી પ્રતિસાદ આપતી અને આધુનિક પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકે તેવી પોલીસ ફોર્સ તરીકે વિકસશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE