બાલાજી હોસ્પિટલ વિવાદ: મહિલાના મોત બાદ પરિવાર ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો

રાજકોટ: શહેરની એક ખાનગી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી (યુટેરિન સિસ્ટ)ના ઓપરેશન બાદ ડિમ્પલબેન પોબારૂનું મોત થતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ અને સારવાર કરનાર ડોક્ટરો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પરિવારના જણાવ્યા મુજબ, ઓપરેશન દરમિયાન સર્જનને બોલાવ્યા વગર જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના કારણે દર્દીની તબિયત ગંભીર રીતે બગડી હતી. ત્યારબાદ ડિમ્પલબેનને તાત્કાલિક ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અંદાજે 12 કલાક બાદ તેમનું મૃત્યુ થયું હતું.

પરિવારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ઓલમ્પસ હોસ્પિટલમાં થયેલા સારવારના ખર્ચનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યું હતું, જે સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઊભા કરે છે. પરિવારનું કહેવું છે કે સારવારમાં થયેલી બેદરકારીના કારણે જ દર્દીનું મોત થયું છે.

આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને લઈને હોસ્પિટલની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

હાલ પોલીસે પરિવારની અરજીના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE