મુળી પોલીસના પ્રોહિબિશન કેસમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળ કાર્યવાહી
રાજકોટ, તા. 03 ઓગસ્ટ 2026
રાજકોટ રેન્જ પોલીસને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે ₹13 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સંબંધિત પ્રોહિબિશન કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડી મુળી પોલીસને સોંપ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ તથા અન્ય જિલ્લાઓમાં ગુનો કરીને ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી. એન. મોરી, શ્રી બી. સી. મિયાત્રા, શ્રી સી. એમ. કાંટેલિયા તથા તેમની ટીમ સતત હ્યુમન સોર્સ, ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીના આધારે કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર અને ડ્રાઈવર ગોવિંદભાઈ રબારીને મળેલી ચોક્કસ માહિતીના આધારે મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનો રજીસ્ટર નં. 0247/2025 હેઠળના કેસમાં ફરાર આરોપી ખેંગાર સિંધાભાઈ મુંધવા અને પ્રવિણ થોભણભાઈ વાટુકીયા, બંને રહેવાસી ઉમરડા (તા. મુળી, જિ. સુરેન્દ્રનગર),ને ઉમરડા ગામના પાટિયા નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે મુળી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ કેસમાં આગળની તપાસ અને જરૂરી કાનૂની કાર્યવાહી ચાલુ છે.
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.











