દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ; હજારો લોકો સલામત સ્થળે ખસેડાયા, રાજ્યભરમાં તંત્ર એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના 268માંથી 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.02 ઇંચ (611 મીમી) વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ અંબિકા બાદ ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ, ઉમરપાડામાં 14.68 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ, વધઈમાં 11 ઇંચ, માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, સુબીરમાં 10.24 ઇંચ અને ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 13 તાલુકામાં 10 ઇંચથી વધુ અને 62 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને એનડીઆરએફ સહિતની બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 64.76 ટકા નોંધાયો છે. પ્રદેશવાર જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા, મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા અને કચ્છમાં 20.67 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.











