લાલપરી ડેમ 90% ભરાયો, આજી-2 અને ભાદર-2માંથી પાણી છોડાયું; અનેક ગામોને એલર્ટ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજકોટ જિલ્લાના પાંચ સહિત સૌરાષ્ટ્રના એક ડઝનથી વધુ ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. રાજકોટનો લાલપરી ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયો છે, જ્યારે મચ્છુ-3, ઘોડાધ્રોઈ, આજી-2 અને ભાદર-2 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
લાલપરી ડેમમાં જળસ્તર પૂર્ણ સપાટીની નજીક પહોંચતાં વહીવટી તંત્રે નવાગામ અને બેડી ગામ સહિત નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં અવરજવર નહીં કરવા પણ અપીલ કરવામાં આવી છે.
પાણીની સતત આવકને પગલે આજી-2 ડેમના બે દરવાજા તેમજ ભાદર-2 ડેમનો એક દરવાજો ખોલી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના પગલે રાજકોટ, પડધરી, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદર વિસ્તારના અનેક ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભાદર-1, આજી-1, ખોડાપીપર, છાપરવાડી, ઈશ્વરિયા, કરમીવ, મચ્છુ-1, ઘોડાધ્રોઈ, નાયકા, લિંબડી ભોગાવો-1, મોરસલ અને ત્રિવેણી ઠાંગા સહિતના જળાશયોમાં પણ નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.
જિલ્લા ફ્લડ કંટ્રોલ સેલ અને સ્થાનિક વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.










