GST વસૂલાતમાં જંગી ઉછાળો: જુલાઈમાં સરકારને રૂ. 2.11 લાખ કરોડની આવક

15.4%નો વાર્ષિક વધારો; આયાત પરના GST કલેક્શનમાં 28.8%નો ઉછાળો, ગુજરાતમાં 19% વૃદ્ધિ

નવી દિલ્હી: જુલાઈ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાતે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ જુલાઈ દરમિયાન રૂ. 2.11 લાખ કરોડનું GST કલેક્શન થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 15.4 ટકા વધુ છે.

આંકડા મુજબ સ્થાનિક વ્યવહારોમાંથી રૂ. 1.45 લાખ કરોડનું GST એકત્ર થયું છે, જેમાં 10.1 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે આયાત પરના GST કલેક્શનમાં 28.8 ટકાનો જંગી ઉછાળો નોંધાતા સરકારને રૂ. 66,511 કરોડની આવક થઈ છે.

જુલાઈ દરમિયાન સરકાર દ્વારા રૂ. 29,968 કરોડનું GST રિફંડ પણ ચૂકવવામાં આવ્યું છે. રિફંડ બાદ સરકારની ચોખ્ખી GST આવક રૂ. 1.81 લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષની સરખામણીએ 10.05 ટકા વધુ છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈ દરમિયાન કુલ રૂ. 8.43 લાખ કરોડનું GST કલેક્શન થયું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો રૂ. 7.66 લાખ કરોડ હતો.

રાજ્યવાર વૃદ્ધિમાં હરિયાણા 25 ટકા વધારા સાથે ટોચ પર રહ્યું છે. ત્યારબાદ ગુજરાત અને તેલંગાણામાં 19 ટકા, પંજાબ અને કેરળમાં 16 ટકા, ઉત્તર પ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 13 ટકા અને કર્ણાટકમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પુડુચેરી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં GST વસૂલાતમાં ઘટાડો નોંધાયો છે.

જુલાઈ મહિનાની આ રેકોર્ડ વસૂલાત દેશની મજબૂત આર્થિક ગતિવિધિઓ અને કર વસૂલાતમાં સતત સુધારો દર્શાવતો મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE