મધ્ય-દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર: સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ

ચુડામાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ; રાજ્યમાં સરેરાશ વરસાદ 65%, સૌરાષ્ટ્ર 50 ટકાની નજીક પહોંચ્યું

અમદાવાદ: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી છે. શનિવારે વહેલી સવારથી સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાઓમાં વ્યાપક વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદના નવા રાઉન્ડથી સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 50 ટકાની નજીક પહોંચી ગયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો હતો. ચુડામાં 3.50 ઇંચ, વઢવાણમાં 2.56 ઇંચ, મોરબીમાં 1.61 ઇંચ અને ટંકારામાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મૂળી, લીમડી અને લખતરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સાયલા, પડધરી, ધ્રોલ, ધ્રાંગધ્રા, કુકાવાવ, રાણપુર, ચોટીલા, વાંકાનેર, બોટાદ, જોડિયા, કાલાવડ, બાબરા અને થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા, ભુજ, મુંદ્રા, જસદણ, ગોંડલ, જેતપુર, જામનગર, લોધિકા, જામકંડોરણા અને ભાણવડ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સવારે 6 વાગ્યા સુધી 48.81 ટકા વરસાદ નોંધાયો હતો અને આજે થયેલા વરસાદ બાદ આ આંકડો 50 ટકાને પાર પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE