ઈડુક્કી અને કોટ્ટયમમાં ભારે નુકસાન; શાળા-કોલેજો બંધ, બચાવ કામગીરી તેજ
તિરુવનંતપુરમ: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, પૂર અને વરસાદી દુર્ઘટનાઓની શ્રેણી વચ્ચે 3 લોકોનાં મોત થયા છે. ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ઈડુક્કી જિલ્લામાં એક મકાન પર ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે પૂરનાં પાણીમાં એક યુવક તણાઈ જતાં તેનું પણ મૃત્યુ થયું હતું. અન્ય એક વરસાદ સંબંધિત ઘટનામાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અનેક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓ સિવાય સરકારી કચેરીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યભરમાં એનડીઆરએફ, ફાયર એન્ડ રેસ્ક્યૂ અને સ્થાનિક વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં સતત વ્યસ્ત છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં લોકોને નદી-નાળાં, પહાડી અને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં ન જવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.











