13 વર્ષની યાદગાર કારકિર્દીનો અંત; ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતનાર કેપ્ટનની નિવૃત્તિ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં 38 વર્ષીય રહાણેએ જણાવ્યું કે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહેવાનો યોગ્ય સમય આવી ગયો છે.
રહાણેએ વર્ષ 2013માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પોતાની કારકિર્દી દરમિયાન 85 ટેસ્ટ, 90 વનડે અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ બાદ તેઓ ભારતીય ટીમનો ભાગ રહ્યા નહોતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા છતાં રહાણેએ ઘરેલું ક્રિકેટમાં સતત યોગદાન આપ્યું હતું અને 2024-25ની રણજી ટ્રોફીમાં મુંબઈ ટીમની કપ્તાની પણ સંભાળી હતી.
રહાણેની કારકિર્દીની સૌથી યાદગાર સિદ્ધિ 2020-21માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતને અપાવેલી ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત રહી છે. કપ્તાન તરીકે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને યાદગાર વિજય અપાવી તેમણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું હતું.
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક યુવા ક્રિકેટરથી ભારતીય ટીમના વિશ્વાસુ બેટ્સમેન અને કેપ્ટન સુધીની રહાણેની સફર પ્રેરણાદાયક રહી છે. તેમની નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટના એક ગૌરવશાળી અધ્યાયને પૂર્ણવિરામ મળ્યું છે.











