13 આરોપીઓ સામે ગંભીર આરોપો; 111 પ્રશ્નો પરીક્ષા પહેલાં જ લીક થયાનો દાવો, 3 ઓગસ્ટે મહત્વપૂર્ણ સુનાવણી
નવી દિલ્હી: દેશભરમાં ભારે વિવાદ સર્જનાર નીટ પેપર લીક કૌભાંડમાં CBIએ મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આશરે 20 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું છે. જોકે, જરૂરી આધાર દસ્તાવેજો પૂર્ણ ન હોવાથી કોર્ટે કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.
CBIએ ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓને સામેલ કર્યા છે. તપાસ મુજબ બાયોલોજીના નિષ્ણાત મનીષા મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદાર પ્રશ્નપત્ર લીકના મુખ્ય માસ્ટરમાઈન્ડ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
તપાસમાં ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રના લાતુરમાં કોચિંગ સંસ્થા ચલાવતા શિવાજી રઘુનાથે પ્રશ્નપત્ર મેળવવા અને વેચવા માટેનું ગોઠવાયેલું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપ છે કે કેમિસ્ટ્રીનું પ્રશ્નપત્ર લાખો રૂપિયામાં ખરીદી અનેક ઉમેદવારો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. પોતાના પુત્ર માટે પ્રશ્નપત્ર ખરીદનાર એક તબીબ સહિત અનેક વચેટિયાઓની ભૂમિકા પણ તપાસમાં સામે આવી છે.
CBIના જણાવ્યા અનુસાર પરીક્ષા પહેલાં જ 111 પ્રશ્નો અને તેમના જવાબો ગેરકાયદેસર રીતે બહાર પહોંચાડવામાં આવ્યા હતા. વાયરલ થયેલી PDF અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે નોંધપાત્ર સમાનતા મળ્યા બાદ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ નીટ પરીક્ષા યોજાઈ હતી અને 7 મેથી પેપર લીકના આક્ષેપો સામે આવ્યા હતા. CBIનું કહેવું છે કે સમગ્ર નેટવર્કની તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.











