દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ; રાજકોટ જિલ્લામાં પણ તાલુકાવાર મોટો તફાવત
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે મધ્ય તબક્કામાં પહોંચ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 52.03 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જોકે વરસાદનું વિતરણ હજુ પણ અત્યંત અસમાન રહ્યું છે. એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે બીજી તરફ અનેક તાલુકાઓમાં હજુ પણ સામાન્ય વરસાદની રાહ જોવાઈ રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં સરેરાશ 908.88 મીમી સામે 472.85 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 8 તાલુકાઓમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમાં વલસાડનો ઉમરગામ, નવસારીના ચીખલી અને ખેરગામ, સુરતના પલસાણા, મહુવા અને કામરેજ, જૂનાગઢનો માંગરોળ તેમજ પાટણનો સાંતલપુર સામેલ છે.
બીજી તરફ વરસાદની સૌથી વધુ ખાધ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે. અબડાસા, દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા, પોરબંદર, અંજાર અને મુંદ્રા સહિતના 8 તાલુકાઓમાં હજુ સિઝનનો 10 ટકા વરસાદ પણ નોંધાયો નથી, જે રાજ્યમાં વરસાદના અસમાન વિતરણની સ્પષ્ટ તસવીર રજૂ કરે છે.
ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 76.39 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.33 ટકા, મધ્ય ગુજરાતમાં 43.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 34.90 ટકા અને કચ્છમાં માત્ર 18.59 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 27 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ, 33 તાલુકાઓમાં 20થી 40 ઇંચ, 113 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 20 તાલુકાઓમાં માત્ર 2થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં પણ વરસાદનું ચિત્ર વિખરાયેલું રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 36.76 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જામકંડોરણામાં સૌથી વધુ 51.25 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે વીંછીયામાં માત્ર 18.78 ટકા વરસાદ નોંધાતા બંને તાલુકાઓ વચ્ચે વરસાદમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારો હજુ વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ એક સક્રિય વરસાદી સિસ્ટમ અસર કરશે. જો આગાહી મુજબ વરસાદ વરસશે તો વરસાદની ખાધ ધરાવતા વિસ્તારોમાં રાહત મળશે અને રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં પણ વધુ વધારો થવાની સંભાવના છે.










