દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ; રાજ્યના 206 જળાશયોમાં પાણીનો જથ્થો વધ્યો, 15 ડેમ હાઈ એલર્ટ પર
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતાં વરસાદનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 45.84 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યના ડેમો અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રાદેશિક આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં માત્ર 6.32 ટકા વરસાદ નોંધાતા ત્યાં હજુ વરસાદની ખોટ યથાવત છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 38.68 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સારા વરસાદના પગલે રાજ્યના 206 જળાશયોમાં કુલ 43.37 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 68.33 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે, જ્યારે 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.
જળાશયોની સ્થિતિ મુજબ 24 ડેમ 70થી 100 ટકા, 22 ડેમ 50થી 70 ટકા, 50 ડેમ 25થી 50 ટકા અને 100 ડેમ 25 ટકા સુધી ભરાયેલા છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને 15 જળાશયો હાઈ એલર્ટ, 5 એલર્ટ અને 4 જળાશયો ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની કામગીરી તેમજ નીચાણવાળા વિસ્તારો માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.










